પ્રવાસન માટે ગુજરાતની `હોમ સ્ટે''ની નીતિ અન્ય રાજ્યોએ અપનાવવાનું સૂચન

ભુજ, તા. 1 : ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (ફિક્કી) દ્વારા આયોજિત દેશના વિવિધ રાજ્યોના પ્રવાસન ક્ષેત્રને વધુને વધુ વિકસાવવાની રણનીતિના ભાગરૂપે થયેલા આયોજન અંગે યોજાયેલા ઇ-કોન્કલેવમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે હાજરી આપી ગુજરાત રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે થઇ રહેલા વિકાસ કાર્યો તેમજ પ્રવાસન ક્ષેત્રે ભવિષ્યના આયોજનો અંગે અન્યોને વાકેફ કર્યા હતા.વેબિનારના માધ્યમથી ફિક્કી દ્વારા આયોજિત ઇ-કોન્કલેવમાં દેશના વિવિધ રાજ્યોના પ્રવાસનમંત્રી સાથેની રાજ્યમંત્રી વાસણભાઇએ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ગુજરાત સરકારે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે રાજ્યો-રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પર ભાર મૂકી દેશના વડાપ્રધાને આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને વધુ બુલંદ કરવા પર ભાર મૂક્યો હતો.કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ, ધોળાવીરા, કાળો ડુંગર સહિત અન્ય પ્રવાસન સ્થાનો માટે `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા', રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો માટે `કુછ દિન તો ગુજારો ગુજરાત મેં' જેવા મહાનાયક અમિતાભ બચ્ચનના કેમ્પેઇન થકી ગુજરાત રાજ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં વૈશ્વિક પ્રવાસીઓ પણ આવીને ગુજરાતના આતિથ્યને માણી રહ્યા હોવાનું વાસણભાઇ આહીરે જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થાનો પર `હોમ સ્ટે'ની પોલિસીનો ઉલ્લેખ કરી અન્ય રાજ્યોને પણ આ પોલિસી અપનાવવા અંગે સૂચન કર્યું હતું. વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સફેદ રણનો ઉલ્લેખ કરી રાજ્ય સરકારે પ્રવાસન થકી મોટી સંખ્યામાં રોજગારી ઊભી કરી હોવાનું  પણ આ તકે મંત્રીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઇ-કોન્કલેવમાં ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ સહિતના રાજ્યોના પ્રવાસન મંત્રીઓએ પણ ભાગ લીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer