ભુજ, અંજાર, ગાંધીધામ જાણે કોરોનાનાં હોટસ્પોટ

હેમાંગ પટ્ટણી દ્વારા- ભુજ, તા. 1 : કચ્છમાં અનલોક સાથે કોરોનાના વધેલા વ્યાપ વચ્ચે ભુજ, અંજાર, ગાંધીધામ વિસ્તાર જાણે કે કોરોનાના હોટસ્પોટ બની ગયા હોય તેમ અહીં પોઝિટિવ દર્દીઓનો આંકડો ઉલ્લેખનીય રીતે વધી રહ્યો છે. એકલા જુલાઇ માસની વાત કરીએ તો આ એક જ મહિનામાં આ ત્રણેય તાલુકામાં 219 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ભુજ અને અંજારમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 100ને પાર થઇ ગયો છે, જ્યારે ગાંધીધામમાં 94 કેસ અત્યાર સુધી નોંધાઇ ચૂકયા હોવાનું આરોગ્ય તંત્રના સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. હજુ પણ `માસ્ક',  સામાજિક `અંતર' અને સેનિટાઇઝર મુદ્દે ઘણી જ અજ્ઞાનતા પ્રર્વતી રહી છે. જિલ્લાના મુખ્ય મથક ભુજ અને તેની આસપાસના વિસ્તારમાં જુલાઇ માસમાં નોંધાયેલા 71 કેસની સાથે અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસનો આંકડો 108 પર પહોંચ્યો છે જે જિલ્લામાં સર્વાધિક છે. શનિવારે તો લોટસ કોલોનીમાં પોઝિટિવ કેસ આવ્યાની ચર્ચા છે. અંજારમાં જુલાઇમાં 74 કેસ સાથે અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસનો આંક સદીને પાર થઇ ગયો છે. એ જ રીતે ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં પણ જુલાઇ મહિનામાં કોરોના કેસનો રાફડો ફાટયો હોય તેમ 74 પોઝિટિવ કેસ નોંધાવા સાથે અહીં કુલ કેસનો આંક 94 પર પહોંચી ગયો છે.જિલ્લામાં અત્યાર સુધી નેંધાયેલા 530માંથી 306 એટલે કે 58 ટકા કેસ આ ત્રણ તાલુકામાં નોંધાયા છે.આ ઉપરાંત માત્ર જુલાઇના આંકડાની વાત કરીએ તો અબડાસામાં 49, રાપરમાં 28, લખપતમાં 16, નખત્રાણામાં 13, મુંદરામાં 10 અને માંડવીમાં 9 કેસ નોંધાયા છે.એક મહત્ત્વનું તારણ એ સામે આવ્યું છે કે જૂનની તુલનાએ જુલાઇ માસમાં પોઝિટિવ કેસના આંકમાં 200 ટકાથી વધુનો વધારો થતાં માર્ચ-એપ્રિલની તુલનાએ મે, જૂન અને જુલાઇ મહિનામાં કોરોનાનો ગ્રાફ સવિશેષ રીતે ચિંતાજનક સ્તરે ઉછળ્યો હોવાનું સપાટી પર આવ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer