રવાપરમાં કોટડાથી ઇદ નિમિત્તે માવિત્રે આવેલી યુવતીને પતિએ છરીના ઘા માર્યા

ભુજ, તા. 1 : ઇદના તહેવાર નિમિત્તે રવાપર (નખત્રાણા) આવેલી કોટડા ચકાર (ભુજ)ની પરિણીત યુવતી શરીફાબેન (ઉ.વ.25)ને રવાપરમાં તેના પતિ કોટડા (ચકાર)ના અલ્તાફ ઇસ્માઇલ ચાકીએ છરીના ઘા મારતાં આ પરિણીતાને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. રવાપર ખાતે સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાં હિરાભાઇ પટેલની અનાજ દળવાની ચક્કી પાસે આજે બપોરે હિચકારા હુમલાની આ ઘટના બની હતી. શરીફાબેનને પેટ અને પાંસળીના ભાગે છરીના ઘા વાગેલા છે.  ઇજાગ્રસ્તના ભાઇ રવાપરના સીદીકે પોલીસ સમક્ષ લખાવેલી ફરિયાદ મુજબ તેની બહેનશરીફા આજે ઇદનો તહેવાર હોવાથી માવિત્રે રવાપર આવી હતી. ગામમાં જ રહેતા મામાના ઘરે મળવા માટે તે જઇ રહી હતી ત્યારે તેના પતિ અલ્તાફ ઇસ્માઇલે તેના ઉપર છરી વડે આ હુમલો કર્યો હતો. હુમલા પછવાડે અગાઉના ઝઘડાના મનદુ:ખનું કારણ નિમિત્ત હોવાનું પોલીસ સમક્ષ લખાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer