પોલીસ પરના હુમલાના જુણાના કેસમાં છ આરોપીની જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 1 : ખનિજ તત્વોની ચોરી અટકાવવા ગયેલી ખાવડા પોલીસની ટુકડી ઉપર જીવલેણ હુમલો થવાના તાલુકાના જુણા ગામના ચકચારી કિસ્સામાં એકસાથે અડધો ડઝન આરોપીની નિયમિત જામીન અરજી જિલ્લા અદાલત દ્વારા નામંજૂર કરાઇ હતી. ફરજ બજાવવા માટે જતા પોલીસ કે અન્ય સરકારી તંત્રના સ્ટાફ ઉપર હુમલો થાય તે તેમના મનોબળને તોડી નાખવા સમાન હોવાનું તારણ આપી ગુનાની ગંભીરતાને કેન્દ્રમાં રાખીને અદાલતે આ ચુકાદો આપ્યો હતો. જુણા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકીના સોયેબ સુલેમાન સમા, અલ્લાબક્ષ હમીર સમા, અઝિઝ હમીર સમા, હસન હાસમ સમા, સાલે હાસમ સમા અને ગફ્yર સાલે સમા (રે. તમામ જુણા)માટે જામીન અરજી મૂકવામાં આવી હતી. જિલ્લા અદાલત સમક્ષ આ બાબતે ઓનલાઇન સુનાવણી દરમ્યાન બન્ને પક્ષને સાંભળીને ન્યાયાધીશે આ તમામ છ તહોમતદારની જામીન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી અને અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ એ. મહેશ્વરી રહયા હતા. ચુકાદો આપતા ન્યાયાધીશે એવી ટિપ્પણી કરી હતી કે ફરજના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે જતી પોલીસ કે અન્ય સરકારી તંત્રની ટુકડી ઉપર હુમલો થાય તે ઘટના કામગીરી કરનારાના મનોબળને તોડી પાડવા સમાન છે. તો સમગ્ર કેસની ગંભીરતા કેન્દ્રમાં રાખીને તમામ છ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer