ગંદકીથી ખરડાતા હમીરસર તળાવમાં સ્વચ્છતા ઝુંબેશ

ગંદકીથી ખરડાતા હમીરસર તળાવમાં સ્વચ્છતા ઝુંબેશ
ભુજ, તા. 31 : કચરો, ગંદકી અને વેલથી ખરડાતા શહેરના હૃદયસમાન હમીરસર તળાવને સ્વચ્છ બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા લખોટા-પાવડી ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સફાઇ અભિયાન હાથ ધરાયું છે. લોકોએ સ્વયંભૂ આ અભિયાન હાથ ધર્યું છે ત્યારે તળાવમાં સ્વચ્છતા જાળવવાની જેના શિરે જવાબદારી છે તે સુધરાઇ પણ તેની ટીમ મોકલે તે જરૂરી છે. આ ઉમદા કામમાં દિવસો-દિવસ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાઇ રહ્યા છે. આજે સવારે અંદાજે સવા સો જેટલા લોકો હમીરસર તળાવની સફાઇમાં જોડાતા પસાર થતા શહેરીજનો પણ આશ્ચર્ય સાથે ઊભા રહી પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.  ભુજના શણગારની જેને ઉપમા આપવામાં આવી છે તે હમીરસરની હાલત કચરા-ગંદકીથી ખરડાઇ રહી છે. કમળ અને વેલ જેવી વનસ્પતિએ પણ ધીરેધીરે તળાવમાં ઘેરો ગાલ્યો છે જે નિહાળી જાગૃત શહેરીજનોમાં તંત્રની આ બાબતે ઉદાસીનતા સામે ભારોભાર રોષની લાગણી ફેલાઇ હતી. આમ તો આ તળાવની સફાઇ સુધરાઇ હસ્તક આવે છે. દરરોજ તો દૂર મહિનામાં એકાદવાર પણ સફાઇ ન કરાતાં તળાવની ખરડાતી સ્થિતિને સુધારવા અંતે જાગૃતોએ બીડું ઝડપ્યું છે. ત્રણેક દિવસ પહેલાં હમીરસરની દુર્દશા અંગે પાવડી ગ્રુપના સભ્યોએ આર.એસ.એસ.ના અગ્રણીઓનો સંપર્ક સાધ્યો. કોરોનાની પરિસ્થિતિમાં દવા-ઉકાળા વિતરણ બાદ કઇંક અલગ સેવાકાર્ય કરવા માટે આર.એસ.એસ. દ્વારા સહયોગની હામી ભરાતા સહિયારા પ્રયાસથી સફાઇ અભિયાનનો આરંભ કરાયો. આ અભિયાન અંતર્ગત આજે અંદાજે સવા સો જેટલા લોકો દ્વારા સફાઇ કરાઇ હતી. માત્ર કિનારો જ નહીં પણ શક્ય બન્યું ત્યાં પાણી અંદરથી વેલ-કચરો પણ બહાર કઢાયો હતો.આ કામમાં વસુંધરા એકેડેમીના પચાસેક છાત્રો ઉપરાંત નેચર ફોર જોઇનના સભ્યો પણ જોડાયા હતા. જો કે, સુધરાઇમાં આ અંગે જાણ કરાતાં એકત્ર થયેલો કચરો ઉપાડવા ટ્રેકટર અને  સાધનોની વ્યવસ્થા કરી અપાઇ હતી. આ ઉમદા કામમાં વધુને વધુ લોકો જોડાય તો સંપૂર્ણ તળાવની સફાઇ થઇ જાય અને તે માટે જાગૃતો જોડાઇ પણ રહ્યા છે. આ કાર્યમાં જોડાવા અથવા માહિતી માટે કુમારભાઇ કંદોઇ-93743 59314 ઉપર સંપર્ક સાધવા જણાવાયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer