વિથોણમાં મુંબઇથી આવેલા ખુલ્લેઆમ ફરતા દેખાયા બાદ બે કેસ પોઝિટિવ

વિથોણમાં મુંબઇથી આવેલા ખુલ્લેઆમ ફરતા દેખાયા બાદ બે કેસ પોઝિટિવ
વિથોણ (તા. નખત્રાણા), તા. 31 : મુંબઇથી 16 દિવસ અગાઉ આવેલા ધોળુ પરિવારના માતા-પુત્રના રિપોર્ટ 16 દિવસે પોઝિટિવ આવતાં તંત્ર તેમના ઘરે પહોંચી ગયું હતું. માતા-પુત્રને ભુજની જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા છે, જ્યારે સંપર્કમાં આવેલા ઘરના અન્ય સભ્યો અને આજુબાજુ રહેતા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સેમ્પલ લીધા બાદ ત્રીજા દિવસે બંને માતા-પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવતાં વિથોણનો પી.એચ.સી. સ્ટાફ, પોલીસ ખાતું અને પંચાયતના સરપંચ અને તલાટીએ સાથે રહીને કાર્યવાહી કરી હતી અને આજુબાજુ રહેતા પરિવારોને હોમ કવોરેન્ટાઇનમાં રહેવા કડક સૂચના અપાઇ હતી. મુંબઇ જેવા રેડઝોનમાંથી આવતા લોકો સરકારી નિયમોનું પાલન કરતા નથી. હોમ કવોરેન્ટાઇન હોવા છતાં ઘરથી બહાર નીકળે છે. બજારમાં પણ લટાર મારે છે, જેના કારણે લોકોને સંક્રમણ લાગવાનો વધુ ભય હોય છે. પહેલાં અને બીજા લોકડાઉનનું લોકોએ ચુસ્તપણે પાલન કર્યું હતું, પરંતુ અત્યારે બેફિકર બની ગયા છે. માસ્કનો ઉપયોગ પોલીસના દંડથી બચવા પૂરતો કરતા હોય છે તેવું દેખાય છે. સાંજ પડતાં નાસ્તાની લારીઓ ઉપર માસ્ક વિનાના લોકોનાં ટોળાં એકત્રિત થાય છે, જેનાથી સમજદાર નાગરિકોમાં રોષ જોવા મળે છે. હાલની પરિસ્થિતિ જોતાં ચાની હોટલો અને નાસ્તાની લારીઓ બંધ કરવાની જરૂર છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer