અંજાર વિસ્તારમાં કોરોના સંક્રમણથી ખાનગી કંપનીના સ્ટાફના વલણે ચર્ચા જગાવી

અંજાર, તા. 31 : સમગ્ર કચ્છમાં જ્યાં કોરોના કેસોનો આંકડો વધી રહ્યો છે ત્યારે અંજારમાં પણ એકસાથે 8 કેસ આવતાં સમગ્ર શહેરમાં ગભરાટ ફેલાયો છે. એક સમયે સમગ્ર કચ્છમાં કોરોના કેસોમાં સૌથી છેલ્લે રહેનાર શહેર આજે સૌથી મોખરે પહોંચવા પર છે. એવુ ક્યા કારણસર બન્યું એ અંગે અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે, ત્યારે શહેરની નજીક આવેલી ખાનગી કંપનીમાં નિયમો પ્રત્યે બેદરકારીએ ચિંતા જગાવી છે. કંપનીના કર્મચારીઓનો બે દિવસ અગાઉ જ પાર્ટી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાડવામાં આવતો દેખાય છે, તેમજ અનેક કર્મચારીઓએ માસ્ક પહેર્યાની પણ તસ્દી નથી લીધી એવું સાફ દેખાય છે. આ અંગે જાગૃત નાગરિકે કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરતાં અધિકારીઓએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાય તો કંપની સામે આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વહીવટી તંત્ર?કંપની સામે કોઇ પગલાં ન લેતું હોવાની બાબતે નારાજગી છે.