જિલ્લામાં પાંચ દરોડામાં 26 જુગારી ઝપટે, ચાર છૂ

ભુજ/ગાંધીધામ, તા. 31 : જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં જુગારની પ્રવૃત્તિ સામે ધોંસ અવિરત રાખતાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડીને 26 ખેલીને પકડી પાડયા હતા. અન્ય ચાર તહોમતદાર નાસી ગયા હતા. ગાંધીધામ, કાંડાગરા-સિરાચા વચ્ચે, ગુંદાલા, ભાડરા અને ડુમરા ખાતે પડાયેલા આ દરોડામાં રૂા. અઢી લાખથી વધુની માલમતા કબ્જે લેવાઇ હતી. ગાંધીધામના સેકટર -5માં પ્લોટ નં. 713માં મોહનભાઈ ખેતાભાઈ ચારણ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમી-રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી કાર્યવાહીમાં મોહનભાઈ ખેતાભાઈ ચારણ, અશોક ખેતાભાઈ ચારણ, ચેતન શામજીભાઈ સથવારા, શનિ વસ્તાભાઈ સથવારા, પ્રકાશ રામજીભાઈ ચારણ, ભીમજી કાનજીભાઈ ચારણ, નરેશ મોહનભાઈ પ્રજાપતિ, જિગર કરશન ચાવડા પકડાયા હતા. પોલીસે આ સ્થળેથી રોકડા રૂા. 26 હજાર, ચાર મોબાઈલ ફોન કિં. રૂા. 32,500, 25 હજારની એક મોટર સાઈકલ, સાથે કુલે રૂા. 83500નો મુદામાલ કબ્જે લીધો હતો. પોલીસે પકડાયેલા આરોપી સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કાંડાગરા અને સિરાચા વચ્ચે મોટા દરોડામાં સાત ઝડપાયા મુંદરા તાલુકામાં મોટા કાંડાગરા ગામથી સિરાચા ગામ તરફ જતા માર્ગ ઉપર રસ્તાની ડાબી બાજુ ઉપર રાજુભા ખેતુભા જાડેજાની વાડીની બહાર ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિવિધ ગામના સાત ખેલીને પકડી પડાયા હતા. આ ખેલીઓ પાસેથી રૂા. 1,61,800 રોકડા ઉપરાંત છ મોબાઇલ ફોન, ટોર્ચ લાઇટ વગેરે કબ્જે કરાયા હતા અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીમાં ભદ્રેશ્વરના નિર્મળાસિંહ નટવરાસિંહ જાડેજા, સિરાચાના ગુલાબાસિંહ માધુભા ચૌહાણ, મોટા કાંડાગરાના રાજુભા સતુભા જાડેજા અને વિનોદ કાનજી મહેશ્વરી, ત્રગડીના ગણપતસિંહ ખેતુભા જાડેજા, મોટા કાંડાગરાના નવુભા ભીખુભા વાઘેલા અને ગુલાબ રવજીભાઇ આહીરનો સમાવેશ થાય છે. પોલીસ ઇન્સ્પેકટર એમ.બી. જાની સાથે સ્ટાફના સભ્યો દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. ગુંદાલામાં ચાર જબ્બે, ચાર છૂ મુંદરા તાલુકામાં જ ગુંદાલા ગામે જૂની બેન્ક પાછળની શેરીમાં તીનપત્તીના જુગાર ઉપર પડાયેલા દરોડામાં ચાર આરોપી પકડાયા હતા અને અન્ય ચાર તહોમતદાર નાસી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા ખેલીમાં ગામના ઇશ્વર ભીમશી ગઢવી, અશોક મનજી જોશી, કૌશિક રજનીકાંત બાપટ અને શંકર નારન બાબરિયાનો જ્યારે ભાગી જનારા આરોપીમાં ગામના કમલ દરજી, કૌશિક દરજી, શિવજી આહીર અને પ્રદીપાસિંહ વિજયરાજાસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. તહોમતદારો પાસેથી મુંદરા મરીન પોલીસ દ્વારા રૂા. 2640 રોકડા કબ્જે લેવાયા હતા. ભાડરામાં ત્રણની ધરપકડ ગંજીપાના વડે જુગારનો અન્ય એક દરોડો દયાપર પોલીસ દ્વારા ભાડરા ગામે ગઇકાલે મોડીસાંજે પાડવામાં આવ્યો હતો. જેમાં ભાડરાના કરમશી જુમા પાયર અને નાનજી દેવજી ભાંભી તથા કોટડા (મઢ)ના સલીમ જાકબ રાયમાને રૂા. 6480 સાથે પકડાયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. ડુમરામાં પણ ચાર ઝડપાયા અબડાસાના ડુમરા ગામે મોબાઇલ ટાવર પાસેના ઓટલા ઉપર જુગાર રમતા ચાર જણ દરોડામાં પોલીસની ઝપટે ચડયા હતા. પકડાયેલા આરોપીમાં ડુમરાના મનીષ કાન્તિ કોળી, હોથિયાયના ભરત મનજી કોળી, જખૌના બાબુ ખમીશા કોળી અને રેલડિયાના રામજી ખીમજી મહેશ્વરીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂા. 1110 રોકડા કબ્જે કરાયા હતા તેમ પોલીસે ઉમેર્યું હતું.