માંડવી સુધરાઇની સામાન્ય સભામાં 2.59 કરોડના વિકાસકામોને બહાલી

માંડવી, તા. 31 : સુધરાઇની અહીં સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં 2.59 કરોડના વિકાસ કામોને બહાલી અપાઇ હતી. અધ્યક્ષ મેહુલભાઇ એ. શાહના પ્રમુખસ્થાને મળેલી આ બેઠકમાં હિસાબો, હેડ ફાળવણી, શોક પ્રસ્તાવ સહિતના મુદ્દાઓને બહાલી અપાઇ હતી. મ્યુ. ફાયનાન્સ બોર્ડ દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ 2.59 કરોડની રકમમાંથી સી.સી. રોડ, પાણીની લાઇનો, પેવરબ્લોકના કામો, વિવિધ સોસાયટીઓના સાર્વજનિક પ્લોટ વિકસાવવા માટે નિર્ણય લેવાયા હતા. ઉપરાંત કચેરીમાં ફર્નિચર વસાવવા નિર્ણય લેવાયો હતો. ગુજરાત આત્મનિર્ભર પેકેજ હેઠળ નાગરિકોને 20 (કો.) પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની દરખાસ્ત તેમજ 15મી ઓગસ્ટની ઉજવણીમાં સંક્રમણની તકેદારી રાખવા ઠરાવ્યું હતું. પૂર્વ અધ્યક્ષ ચંદુલાલ ભાનુશાલી તેમજ પૂર્વ નગરસેવક રવિલાલભાઇ સોનીનું અવસાન થતાં બેઠકના પ્રારંભે બે મિનિટ મૌન પાળી સ્વ. ચંદુભાઇ ભાનુશાલીનું તૈલચિત્ર સભાખંડમાં રાખવા નિર્ણય લેવાયો હતો. બેઠકમાં ઉપાધ્યક્ષા ગીતાબેન ગોર, કારોબારી ચેરમેન દિનેશ હીરાણી, ખુશાલ જોષી, રેખાબેન દવે, પ્રેમજી કેરાઇ, મિતલબેન આશોડિયા, વૈશાલીબેન જુવડ, લક્ષ્મીબેન દાતણિયા, અમરશી કોલી, લેખાબા જાડેજા, વિધ્યાબેન ગુંસાઇ, પુષ્પાબેન મોતીવરસ, વર્ષાબેન જોષી, હેમાંગ કાનાણી, ઉર્મિલાબેન પીઠડિયા, પારસ સંઘવી, વૈશાલીબેન ગણાત્રા, વિરોધ પક્ષના નેતા રફીક શેખ, ઉપનેતા બાલુભાઇ સીજુ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાની નિગરાની હેઠળ હેડ ક્લાર્ક કાનજી શિરોખાએ વ્યવસ્થા સંભાળી હતી. જ્યારે ચેતન જોષી, રમેશ ઝાલા, મોસીન કોરેજા, વ્રજેશ પારિયા, શંકર ચૌહાણ, જિતેશ, મહેશ જોષી સહયોગી રહ્યા હતા. દરમ્યાન પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકાના વધારા ઠરાવ સામે વિપક્ષ કોંગ્રેસના નેતા રફીકભાઇ શેખે વિરોધ કરતાં ન્યૂનતમ 250 રૂપિયા ભાડું વધારવાનું સૂચન કર્યું હતું. નલિયા રોડ ઉપર તળાવ ઓગનની નાલી તાત્કાલિક ધોરણે પહોળી કરવા, કોન્ટ્રેક્ટરો દ્વારા સમયસર વિકાસ કામોમાં કથિત વિલંબ બદલ પેનલ્ટી વસૂલવા, કે. ટી. શાહ સંકુલની દુકાનો તાત્કાલિક ધોરણે ભાડે આપવાનો નિર્ણય લેવા, ભાડાંકરારની શરત મુજબ અમલીકરણ કરવાની રજૂઆત કરી હતી.