અમદાવાદમાં કોરોનાની સારવારમાં વ્યસ્ત બન્યો કચ્છી તબીબ

ભુજ, તા. 4 : મૂળ ભુજના ગાંધીધામ નિવાસી ડો. કુંજ અરુણ ગોર અમદાવાદ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત બે મહિના સુધી શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ લેવાની ફરજ અદા કર્યા પછી એસવીપી કોવિડ હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની સારવાર કરી રહ્યો છે.કુંજના પિતા ડો. અરુણ ગોર ગાંધીધામમાં જાણીતા આંખ વિશેષજ્ઞ અને માતા ડો. અલ્પાબેન અરુણ ગોર ત્રીરોગ નિષ્ણાત છે. ડો. કુંજે જણાવ્યું હતું કે, લોકડાઉન કરતાં પણ અનલોકમાં વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે. લોકોએ ગફલતમાં ન રહેવું જોઈએ. જ્યાં સુધી વેક્સિનની શોધ ન થાય ત્યાં સુધી કોરોનાને કન્ટ્રોલ કરવોં અઘરો છે.એસવીપી મેડિકલ કોલેજમાં જ એમબીબીએસની પરીક્ષા માર્ચ-2020 પાસ કરીને અત્યારે ઈન્ટર્નશિપ એ જ હોસ્પિટલમાં કરીને કોરોનાના દર્દીઓની સારવારમાં છે. ડો. ગોર પ્રારંભમાં સતત બે મહિના સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓના સેમ્પલ લેવાની અઘરી અને જોખમી કામગીરીમાં જોડાયા પછી હાલમાં કોવિડ સ્પેશિયલ વોર્ડમાં સિનિયર ડોક્ટરની ટીમમાં જોડાઈને ફરજ બજાવી રહ્યો છે.