ગૌવંશ અને ગૌમાંસ સંલગ્ન કેસો માટે રાજ્યભરમાં ખાસ ધારાશાત્રી નિમાયા

ગૌવંશ અને ગૌમાંસ સંલગ્ન કેસો માટે રાજ્યભરમાં ખાસ ધારાશાત્રી નિમાયા
ભુજ, તા. 31 : ગૌવંશ કતલ અને ગૌમાંસની પ્રવૃત્તિ સામે ક્રમશ: કડક પગલાં અખત્યાર કરી રહેલી રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના ગુનાઓના કેસો માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખાસ સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ કચ્છ માટે ભુજના ધારાશાત્રી ઘનશ્યામભાઇ બાબુલાલ ગોર અને પૂર્વ કચ્છ માટે ગાંધીધામના ધારાશાત્રી રાજકુમાર ટી. લાલચંદાણીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના કાયદા વિભાગના નાયબ સચિવ ડી.એમ. ભાભોરે રાજ્યના પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લા સહિત તમામ 34 જિલ્લા માટે આ ખાસ સરકારી વકીલની યાદી રાજ્યપાલના હુકમથી જારી કરી હતી. રાજ્ય સરકારે કરેલી આ ખાસ નિમણૂક પામનારા ધારાશાત્રીઓ ગૌવંશ અને ગૌમાંસને સંલગ્ન કેસોની કાર્યવાહી અદાલતમાં સરકાર વતી સંભાળશે.ખાસ સરકારી વકીલ તરીકે પશ્ચિમ કચ્છ માટે નિયુકત થયેલા ઘનશ્યામ ગોર યુવા ધારાશાત્રી છે. તેઓ આ અગાઉ અધિક જિલ્લા સરકારી વકીલ તરીકે તથા લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરોના કેસો માટે કાનૂની સલાહકાર તરીકેની સેવા આપી રહ્યા છે. જ્યારે પૂર્વ કચ્છ માટે નિયુકત કરાયેલા રાજકુમાર લાલચંદાણી ગાંધીધામ સંકુલના વરિષ્ઠ ધારાશાત્રી છે. 32 વર્ષથી વકીલાત કરતા તેઓ ત્રણ વખત ગાંધીધામ બારના પ્રમુખ અને સાત વખત ઉપપ્રમુખ પદે  સેવા આપી ચૂક્યા છે. હાલે તેઓ વિશ્વ સિંધી સમાજના ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત છે. તેમના પુત્રી અને પુત્રવધૂ પણ વકીલાત કરી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer