હાઇકોર્ટે શાળા ફી માફીનો પરિપત્ર રદ કર્યો

અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાંસુનાવણી હાથ ધરાઈ હતી. વાલીઓને ઝટકા સમાન ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય લઇને ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ કર્યો છે. જ્યારે પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ હાઇકોર્ટના ચૂકાદા સામે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે આજરોજ હાઈકોર્ટે રાજ્ય સરકાર, વાલીમંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કરતા જણાવ્યું છે કે શાળાઓ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખે, રાજ્ય સરકારની ઓનલાઈન ભણાવવાની કામગીરીને હાઈકોર્ટે બિરદાવી છે અને વિસ્તૃત ચૂકાદો બાકી રાખ્યો છે. હાઈકાર્ટે એમ પણ જણાવ્યું છે કે શાળામાં ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ. હાઈકોર્ટના વિસ્તૃત ચૂકાદો આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને સરકાર સંપૂર્ણ પાલન કરશે. દરમ્યાન, વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર આ મામલે સુપ્રિમ કોર્ટમાં જાય. હાઇકોર્ટના ચુકાદા પર કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયામા સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સરકાર હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં કેમ નહીં જાય?, પ્રધાન પદ બચાવવા સુપ્રીમ સુધી જઇ શકતા હોય તો વાલીઓ માટે કેમ નહીં? તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિ-નિયત સાફ નથી તેમજ રાજ્યના વાલી-વિદ્યાર્થીઓની તેમને ચિંતા નથી. દરમિયાન પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજૂઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહ્યું કે ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. હાઈકોર્ટ આ અંગેવધુ નિર્દેશ આપશે. અને વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer