દેશ ખૂલી રહ્યો છે તો ધાર્મિક સ્થળો કેમ નહીં ? : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 31 : કોરોના વાયરસને લઈને લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન બાદ હવે અનલોકની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં અનલોક-3માં જીમ ખોલવાની મંજૂરી મળી ચૂકી છે અને નાઈટ કર્ફ્યુ પણ હટાવી લેવામાં આવ્યો છે.તેવામાં મંદિરો અંગે સુપ્રીમ કોર્ટ તરફથી મહત્ત્વની ટિપ્પણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે,  મંદિરમાં ઈ-દર્શન એ દર્શન નથી. દેશ ખૂલી રહ્યો છે તો માત્ર ધાર્મિક સ્થળ કેમ બંધ રાખવામાં આવ્યા છે ? કોર્ટે ઝારખંડ સરકારને સૂચન કર્યું હતું કે, દેવધરના બૈદ્યનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને સીમિત સંખ્યામાં જવા દેવા જોઇએ. આ માટે વ્યવસ્થા બનાવવી જોઇએ. શ્રદ્ધાળુઓને ઇ-ટોકન જારી કરવા એ પણ એક ઉપાય હોઇ શકે છે. કોર્ટે કહ્યું કે, આવનારી પૂનમ અને ભાદરવા મહિનામાં નવી વ્યવસ્થા લાગુ કરવાની કોશિશ?થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, કોરોના સંકટ કાળમાં ભીડ ન થાય એ માટે ભક્તોને મંદિરમાં મર્યાદિત સંખ્યામાં દર્શન કરવાની વ્યવસ્થા કેમ થતી નથી ? સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી ઝારખંડના દેવધરમાં બાબા બૈદ્યનાથ મંદિરમાં ભક્તોને દર્શન માટે માત્ર ઈ દર્શનની મંજૂરી ઉપર કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે, કોરોના સંકટ સમયમાં ભીડ ન થાય તે માટે ભક્તોને મંદિરમાં સીમિત સંખ્યામાં દર્શન કરવાની વ્યવસ્થા  કેમ કરવામાં નથી આવતી ? આ મામલે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે મંદિરમાં લોકોને ઈ-દર્શનની જ મંજૂરી આપી હતી. ઝારખંડ તરફથી વરિષ્ઠ વકીલ સલમાન ખુરશીદે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના મામલા વધી રહ્યા છે એટલા માટે રાજ્ય સરકારે આ આદેશ આપ્યો છે કે તમામ ધાર્મિકસ્થળ હાલમાં બંધ રાખવામાં આવે. આવનારા સમયમાં એ પણ સંભવ છે કે રાજ્યમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, હવે જ્યારે દેશ ખૂલી રહ્યો છે તો માત્ર ધાર્મિક સ્થળ જ કેમ બંધ છે ? જો સંપૂર્ણ લોકડાઉન હોય તો અલગ વાત છે પણ હવે અન્ય ક્ષેત્રો ખૂલવા લાગ્યા છે, તો પછી મંદિર, મસ્જિદ અને ચર્ચને પણ મહત્ત્વપૂર્ણ અવસરે ખોલવા જોઈએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer