ગુજરાતના નવા પોલીસવડા આશિષ ભાટિયા

અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના નામ પર મહોર લગાવવામાં આવી છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણુંક થઇ હોવાની જાહેરાત કરી છે. હાલના ડીજીપી શિવાનંદ ઝાનો કાર્યકાળ આજે પૂરો થાય છે. શિવાનંદ ઝા ત્રણ મહિના પહેલા નિવૃત થઇ ગયા હતા પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, જે આજે પુરું થયું હતું. મહત્વનું છે કે, ડીજીપીની રેસમાં ભાટિયાનું નામ સૌથી આગળ હતું. ગુજરાત સરકાર દ્વારા યુપીએસસીને ત્રણ નામ મોકલવામાં આવ્યા હતા જેને યુપીએસસીએ મહોર માર્યા પછી રાજ્યસરકારે આશિષ ભાટિયાને ડીજીપી બનાવવાનો નિર્ણય કર્યો છેઆમ ગુજરાતને 38માં ડીજીપી તરીકે આશિષ ભાટિયા મળ્યા છે આશિષ ભાટિયા આવતીકાલે અમદાવાદ પોલીસ કમિશ્નરનું પદ છોડી ગુજરાતના પોલીસ વડા કરીકેનું પદ ગ્રહણ કરશે. હવે અમદાવાદ પોલીસ કમિશ્નર કોણ થશે તેની જાહેરાત આગામી એકાદ દિવસમાં થશે, એમ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર પદની જગ્યા માટે સંજય શ્રીવાસ્તવ, કેશવકુમાર અને અજય તોમરના નામો ચર્ચામાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના નવા પોલીસ વડા તરીકે નીમાયેલા આશિષ ભાટિયાનો જન્મ હરિયાણામાં થયો હતો. તેમણે એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ 2016માં સુરત પોલીસ કમિશનર, સીઆઇડી ક્રાઇમના વડા તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે. અહીં નોંધવું ઘટે કે,2008માં અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રંચમાં તેઓ જોઈન્ટ પોલીસ કમિશનર હતા, અને તેમણે અને તેમની આખી ટીમે ભેગા થઈને 20 જ દિવસમાં આખો કેસ ઉકેલી 30 જેટલા આરોપીઓને પકડી લીધા હતા. આમ તેઔ સૌ પહેલુ ઇન્ડીયન મુઝાદીનું મોડ્યુલ બહાર પાડનારા અધિકારી પણ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer