કચ્છમાં અખાદ્ય ગોળનો કરોડોનો `કાળો કારોબાર''

પ્રફુલ્લ ગજરા દ્વારા-  ભુજ, તા. 31 : ખાસ કરીને અને મુખ્યત્વે દેશી દારૂ બનાવનારા તત્ત્વો જેનો મહત્તમ ઉપયોગ હાલમાં કરે છે તેવા અખાદ્યની વ્યાખ્યામાં આવતા સડેલા ગોળના વેચાણ અને તેની સામે અત્યારે હાથ ધરાઇ રહેલી કાયદાકીય કાર્યવાહી થકી આ પ્રકારના ગોળનો મામલો હાલે  `ગરમાગરમ' બની ચૂકયો છે. આ વચ્ચે એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે માનવ માટે અખાદ્ય એવા આ ગોળનો કેટલ ફીડ (પશુઆહાર)ના નામે સમગ્ર કચ્છમાં વર્ષાંતે કરોડો રૂપિયાનો જથ્થો જિલ્લા બહારથી આવે છે અને સમગ્ર જિલ્લામાં બાકાયદા વેચાઇ રહ્યો છે. તેમાંયે વળી આ પ્રવૃત્તિ કાંઇ આજકાલની નથી, આ તો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે.  ચાલુ અઠવાડિયામાં અખાદ્ય ગોળ સામે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસદળ દ્વારા બોલાવાયેલી ધોંસમાં લાખો રૂપિયાનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો છે, જેને લઇને આ જૂનો અને જાણીતો તથા પેચીદો મુદ્દો પુન: એકવાર સપાટીએ આવી ચર્ચાસ્પદ બન્યો છે. અલબત્ત અત્યાર સુધીની આ કાર્યવાહીમાં જથ્થો સ્થગિત કરીને બિનખાવાલાયક ગોળના નમૂના એકત્ર કરીને તેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી અહેવાલ આવ્યા બાદ જવાબદારો સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. આમ તો આ સમગ્ર મામલો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પુરવઠા વિભાગ હસ્તક આવે છે, પણ તાજેતરમાં રાજ્ય સ્તરેથી પોલીસદળ માટે છૂટેલાઆદેશોના કારણે કાયદાના રક્ષકો પ્રવૃત્ત બનતાં આ સંબંધિત તંત્રોને પણ હરકતમાં આવવું પડયું છે. અખાદ્ય ગોળના વેપાર-વાણિજ્ય સાથે સંકળાયેલા વેપારી વર્ગ સાથે વાતચીત કરતા એવી વિગતો જાણવા મળી હતી કે ગોળનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને કંપનીઓ કચરા જેવો વેસ્ટેજની વ્યાખ્યામાં આવતો અને સીધી રીતે વેચાણમાં ન મૂકી શકાય તેવો માલ અને લાંબા સમયથી પડતર રહી ગયેલો જથ્થો બજારમાં પશુઆહાર તરીકે ઠલવાય છે. જે સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાં જાય છે, પણ પશુઆહારના નામે આવતા અને વેચાતા આ નજીવી કહી શકાય તેવી કિંમતના ગોળનો ઉપયોગ દારૂ બનાવનારા કરવા લાગતાં અને તેની માત્રા વધી પડતાં દારૂની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા ગોળ ઉપર કાયદાના રક્ષકોની તવાઇ ઊતરી આવી છે. તાજેતરના દિવસોની કાયદાકીય કાર્યવાહીમાં જ્યાંથી લાખો રૂપિયાનો અખાદ્ય ગોળ પકડાયો છે તેવી કચ્છની સૌથી મોટી એવી ભુજની નવી જથ્થાબંધ બજારમાં અનેક વેપારીઓ અખાદ્ય ગોળનો વેપાર કરી રહ્યા છે. આ બજારમાં દર બીજા કે ત્રીજા દિવસે 17થી 20 ટન માલ ભરીને જિલ્લા બહારથી ગાડી આવે છે. આ માર્કેટથી જિલ્લા મથક આસપાસના ઉપરાંત સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જથ્થો પહોંચતો હોય છે, જે બાબત બતાવી રહી છે કે પ્રવૃત્તિ સમગ્ર જિલ્લામાં ફેલાઇ ચૂકી છે. પશુઆહાર માટેના ઉપયોગના હેતુસર જિલ્લા બહારથી વેપારીઓ પાસે આવતો અખાદ્ય ગોળ કાયદેસર જી.એસ.ટી. સાથેનો આવે છે, તો તેનું સ્થાનિકે વેચાણ પણ પશુઓ માટેના આહાર તરીકે જ થાય છે પણ ખરીદનારા પૈકીના મોટાભાગના તેનો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે કરી રહ્યા હોવાથી અંતે કાયદાની ખફગી વેપારીઓ ઉપર ઊતરી પડતી હોવાની વાત પણ વેપારી વર્ગે કરી હતી. તેમણે એવી પણ ટિપ્પણી પણ કરી હતી કે દેશી દારૂ બનાવનારા અખાદ્ય ગોળ ઉપરાંત દારૂનો આથો જલ્દી આવે તે માટે ફટકડી, યીસ્ટ અને ગાયોને દોહવા સમયે અપાતા ઇન્જેકશનોનો પણ ધૂમ માત્રામાં ઉપયોગ કરી રહ્યા છે. આવી ચીજવસ્તુનું વેચાણ કરનારા પણ એટલા જ જવાબદાર ગણી શકાય. દરમ્યાન અખાદ્ય ગોળની આયાત અને તેના વેચાણના જિલ્લાના બિનસત્તાવાર રીતે સામે આવેલા આંકડા પણ આંખ પહોળી કરી નાખે તેવા બની રહ્યા છે. ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, માંડવી, મુંદરા, નખત્રાણા સહિતના તાલુકા મથકો ઉપરાંત નાના-મોટા ગામડાંઓમાં અખાદ્ય ગોળ આજેય વેચાય છે. જિલ્લાભરમાં વર્ષાંતે આ પ્રકારનો કરોડો રૂપિયાનો ગોળ વેચાઇ રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer