કોરોનાના મૃત્યુદરમાં માંડવી મોખરે, ભુજ તળિયે

ભુજ, તા. 31 : વૈશ્વિક મહામારી કોરોનાના જુલાઈ માસમાં રેકોર્ડબ્રેક કેસ કચ્છ જિલ્લામાં નોંધાવવા સાથે મોત પણ એટલા જ પ્રમાણમાં થયા છે ત્યારે એક મહત્ત્વનું વિશ્લેષણ એ સામે આવ્યું છે કે અત્યાર સુધી જિલ્લામાં થયેલા (તંત્રના ચોપડે) 22 મોતમાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ મોત ભલે ગાંધીધામમાં થયા હોય પણ ટકાવારીની દૃષ્ટિએ માંડવી મોખરે છે. માંડવી શહેર અને તાલુકામાં અત્યાર સુધી કોરોનાએ 4 લોકોનો ભોગ લીધો છે. અહીં કુલ 24 પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાયા છે તેની સામે 4 મોત થતાં મૃત્યુ પામેલ દર્દીઓની ટકાવારી 16.66 ટકા જેટલી થવા જાય છે.જિલ્લામાં જ્યાં સૌથી વધુ કોરોના મોત થયા છે એવા ગાંધીધામમાં અત્યાર સુધી નોંધાયેલા 79 કેસ સામે મૃત્યુ પામેલ દર્દીઓની ટકાવારી 7.60 ટકા નોંધાઈ છે. એ જ રીતે અબડાસા વિસ્તારની વાત કરીએ તો 50 પોઝિટિવ કેસ સામે 3 દર્દીના મોત થતાં સરેરાશ ટકાવારી 6 ટકા રહેવા પામી છે. સરહદી લખપત તાલુકામાં 19 પોઝિટિવ કેસ સામે 1 મોત થતાં મૃતક દર્દીઓની ટકાવારી 5.26 ટકા નોંધાઈ છે.  રાપર વિસ્તારની વાત કરીએ તો, અહીં નેંધાયેલા 35 પોઝિટિવ કેસમાંથી બે દર્દીના મોત થતાં મૃત્યુ પામનારા દર્દીઓની ટકાવારી 5.71 ટકા રહી છે. અંજારમાં 83 પોઝિટિવ કેસ સામે 3 દર્દીઓના મોત થતાં મૃતક દર્દીઓની ટકાવારી 3.61 ટકા નોંધાઈ છે.  ભચાઉમાં 44 પોઝિટિવ દર્દીઓ પૈકી બેનાં મોત થતાં  અહી ટકાવારીનો રેશિયો 2.27 ટકા રહેવા પામ્યો છે. ભુજમાં સર્વાધિક 106 પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાયેલા છે પણ તે પૈકી બે જ દર્દીના મોત થતાં મૃતક દર્દીઓની ટકાવારી જિલ્લામાં સૌથી ઓછી માત્ર 1.88 ટકા રહેવા પામી છે. મુંદરા અને નખત્રાણા એ બે તાલુકા એવા છે કે જેમાં અત્યાર સુધી કોરોનાથી એક પણ મોત થયું નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer