ભુજથી ભાગેલો કોરોના પોઝિટિવ દર્દી અંજારમાંથી ઝડપાયો

ભુજ, તા. 31 : અહીંની જનરલ હોસ્પિટલમાંથી ગુરુવારે સવારે અંજારનો એક કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતાં મચી ગયેલી ભારે ચકચાર વચ્ચે પોલીસ અને આરોગ્ય તંત્રે આખી રાત દોડધામ કરી આજે વહેલી સવારે આ ફરાર દર્દીને અંજાર રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી ફરીથી એમ્બ્યુલન્સ મારફત જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.અંજારના મફતનગરમાં રહેતો સીતારામ કુંવર નામનો કોરોના દર્દી ગુરુવારે સવારે સાત વાગ્યે એકાએક આઇસોલેશન વોર્ડમાંથી ભાગી ગયો હતો. આખા દિવસની તપાસના અંતે રાત્રે 11 વાગ્યે જનરલ હોસ્પિટલના સંક્રમણ વિભાગના વડા દર્શન અરવિંદ પટેલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આરોગ્ય તંત્રની સાથે પોલીસ પણ હરકતમાં આવ્યું હતું. પોલીસની તપાસમાં ભાગી ગયેલો કોરોનાનો આ પોઝિટિવ દર્દી હોસ્પિટલના ગેટ પાસેથી જ ભુજથી વડનગર જતી એસ.ટી. બસમાં ચડતો દેખાયાના સી.સી.ટી.વી. ફૂટેજ મળતાં વડનગરના ડેપો મેનેજર મારફત બસના ડ્રાઇવર-કંડક્ટરનો નંબર મેળવી તપાસ કરતાં બસમાં સીતારામ અને અન્ય એક પ્રવાસી હતો. બંને અંજાર ઊતરી ગયાનું જણાવાયું હતું. બી-ડિવિઝન પોલીસે આ બાબતે અંજાર પોલીસને વાકેફ કરતાં અંજાર પોલીસની ટુકડીએ સઘન શોધખોળ કરી આજે વહેલી સવારે સાડાપાંચ વાગ્યાના અરસામાં સીતારામ કુંવરને અંજાર રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડયો હતો. આરોગ્ય વિભાગને ફરાર દર્દી ઝડપાઇ?ગયાની જાણ કરાતાં અંજાર તાલુકા આરોગ્ય અધિકારી અને તેમની ટીમે એમ્બ્યુલન્સ મારફત આ દર્દીને પરત જનરલ હોસ્પિટલમાંસારવાર માટે મોકલી આપ્યો હતો. કોરોના થવાના ડરથી પોતે હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટયાની કેફિયત પ્રાથમિક પૂછતાછમાં સીતારામ કુંવરે આપી હતી. દરમ્યાન, જે બસમાં આ દર્દી ભુજથી અંજાર ગયો હતો તેના ડ્રાઇવર-કંડક્ટરને ક્વોરેન્ટાઇનમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાંથી રફુચક્કર થઇ?ગયેલા સીતારામ સામે કલેક્ટરના જાહેરનામાનો ભંગ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપેડેમિક ડિસીઝ એક્ટ તેમજ ક્વોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરવા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ?ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને કોરોના વોર્ડમાં ખસેડવા સમયે તે હાજર ન મળતાં આખોય બનાવ પ્રકાશમાં આવ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer