કચ્છમાં નાની બચતોના 3.50 લાખ ખાતેદારને `નુક્સાન'

મુંજાલ સોની દ્વારા-  ભુજ, તા. 31 : સલામત રોકાણ અને ઠીકઠાક વળતરને લઇને મધ્યમવર્ગ સહિત દેશનો મોટો વર્ગ પોસ્ટની નાની બચતોમાં મોટું રોકાણ કરતો આવ્યો છે. 2019-20ના વર્ષમાં પણ કચ્છમાં નાની બચતોમાં નોંધપાત્ર રોકાણ થયું હતું. ખાલી માર્ચ-2020ની સ્થિતિમાં જ પોસ્ટ બચતોમાં રૂા. 252.87 કરોડની નવી ડિપોઝિટ?ઉમેરાઇ હતી અને તેની સામે ઉપાડ? રૂા. 157.99 કરોડનો થયો હતો અને કુલ થાપણો રૂા. 27 અબજને પાર કરી ગયાની શક્યતા છે પણ માર્ચ બાદ કોરોનાના સંકટ?વચ્ચે કેન્દ્ર સરકારે લોકો માટે પડયા પર પાટુ સમાન પ્રહાર કર્યો અને નાની બચતોના વ્યાજદરમાં બહુ ભારે ઘટાડો કરી નાખ્યો તો લોકડાઉન અને મહામારીને લીધે લોકોની આવકના સ્રોત ઘટી જતાં પોસ્ટની બચત યોજનાઓમાં પણ?તેની અવળી અસર જોવા મળી રહી છે અને એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં નાની બચતોના 16885 ખાતાં ખૂલવા સામે 19311 એકાઉન્ટ બંધ?થયા છે. સરકારે સેવિંગ્સ બેંક (એસ.બી.)ના વ્યાજદર ચાર ટકા જાળવી રાખ્યા છે, માટે એસ.બી.ના અને નરેગાના ખાતાં બાદ કરીએ તો કચ્છમાં નાની બચતોના હાલ લગભગ 3.28 લાખ ખાતાં છે. એન.એસ.સી. અને કિસાન વિકાસ પત્રના ખાતાંની વિગતો મળી નથી. આ દરેકને વ્યાજકાપની માર સહન કરવી પડે છે. એપ્રિલથી જૂન વચ્ચે જ રિકરિંગ ડિપોઝિટના 2592 ખાતાં ખૂલવા સામે 6550 ખાતાં બંધ?થયાં હતાં. અલબત્ત કચ્છનું પોસ્ટ તંત્ર ખાતાં વધારવા પ્રયાસો કરી રહ્યું છે. 31 માર્ચ-2019ની સ્થિતિએ કચ્છમાં નાની બચતોમાં કુલ રૂા. 2183 કરોડની થાપણો હતી. તેમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ?(એન.એસ.સી.) અને કિસાન વિકાસ પત્ર (કે.વી.પી.)ની અંદાજે ત્રણેક અબજની ડિપોઝિટ જોડીને લગભગ રૂા. 24 અબજ જેટલી થાપણો થવા જતી હતી. 2019-20ના નાણાકીય વર્ષમાં નવા 97392 ખાતાં ખુલ્યા જેની સામે 67134 ખાતાં બંધ થયાં અને એ હિસાબેથાપણોમાં પણ સ્વાભાવિક રીતે સારો વધારો નોંધાયો હશે. એક વર્ષમાં નવા 30254 ખાતાં સાથે માર્ચ-2020ની સ્થિતિએ કચ્છમાં નાની બચતોના કુલ 550337 એકાઉન્ટ હતા. જો કે, 31 માર્ચે મોદી સરકારે નાની બચતોના વ્યાજદરમાં મોટો ઘટાડો ઝીંકી દીધો. મંથલી ઇન્કમ સ્કીમ (એમ.આઇ.એસ.)માં વ્યાજ 7.6 ટકાથી 6.6 ટકા, વન યર ટાઇમ ડિપોઝિટમાં 6.9 ટકાથી 5.5 ટકા, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ?(પી.પી.એફ.)માં 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા વ્યાજદર કર્યું. સરકારે વરિષ્ઠ નાગરિકોને પણ મૂક્યા નહીં અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના વ્યાજદર પણ 8.6 ટકાથી ઘટાડીને સીધા 7.4 ટકા કરી નાખ્યા. અલબત્ત, હજીય બેંકના ફિક્સ ડિપોઝિટના વ્યાજ કરતાં પોસ્ટ બચતના વ્યાજદર સારા જ છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર લોન પરના વ્યાજદર ઘટાડીને એક વર્ગને હપ્તામાં રાહત આપે છે એટલે તેની અસર ડિપોઝિટ પરના વ્યાજ પર પડવાની છે અને તેના વ્યાજ પણ ઘટવાના છે, પણ સરકારે કમસેકમ વૃદ્ધો માટેની યોજનાઓના વ્યાજદર સામે છેડછાડ?કરવી જોઇતી નહોતી. ભુજના એક વરિષ્ઠ નાગરિક કહે છે કે, અમે નિવૃત્ત જીવન ગાળીએ છીએ. પોસ્ટની બચત યોજનાઓના ત્રિમાસિક વ્યાજ પર ઘર ચાલે છે. સરકારે તેમાં મોટો ઘટાડો કરતાં અમને મળતી રકમમાંય મોટો ઘટાડો નોંધાયો છે. 2014-15માં સિનિયર સિટીઝનો માટેના વ્યાજદર 9.20 ટકા હતા જે હવે ઘટતાં ઘટતાં માત્ર 7.4 ટકા થઇ?ગયા છે. માર્ચ-2020માં સેવિંગ્સ બેંક ખાતામાં રૂા. 128.89 કરોડ ડિપોઝિટ થયા હતા જ્યારે રૂા. 106.15નો ઉપાડ થયો હતો. પી.પી.એફ.માં રૂા. 28.34 કરોડ?ઉમેરાયા હતા, તો રૂા. 10.21 કરોડનો ઉપાડ થયો હતો. એમ.આઇ.એસ.માં રૂા. 11.13 કરોડની ડિપોઝિટ સામે રૂા. 7.15 કરોડ ઉપાડાયા હતા. આર.ડી.માં રૂા. 15.89 કરોડના ઉમેરા સામે રૂા. 12.60 કરોડ ઉપાડાયા હતા. આમ તો રોકાણના અન્ય માધ્યમોમાં પણ પરિસ્થિતિ બહુ સારી નથી. એટલે સલામતીને લઇને નાની બચતોમાં રોકાણમાં મોટાપાયે ઘટાડો થવાનો નથી. પોસ્ટના વહીવટી તંત્રે પણ હાલ વધુ ખાતાં ખૂલે તેના પ્રયાસો વધાર્યા છે. 

    મોદીએ 8  ટકાની ખાતરી આપી'તી એ વયવંદના યોજનામાં  પણ વ્યાજદર 7.4?ટકા !  ભુજ, તા. 31 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016ના અંતમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં દાવો કર્યો હતો કે, વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ સુધી આઠ ટકાના ખાત્રીપૂર્વકના વ્યાજદર સાથેની યોજના આવશે. ત્યારબાદ એ ખ્યાલ મુજબની પ્રધાનમંત્રી વયવંદનાના વ્યાજદરમાં પણ કેન્દ્ર સરકારે તરાપ મારી દીધી અને 2020-21ના નાણાકીય વર્ષ માટે 8ને બદલે 7.40 ટકાના વ્યાજદર નક્કી કર્યા !? મે મહિનામાં જ આ યોજનાને માર્ચ-2023 સુધી લંબાવવામાં આવી હતી અને તેમાં રોકાણની મર્યાદા બેવડી કરીને રૂા. 15 લાખ?કરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer