રોહા (સુમરી) પાસે પવનચક્કીની વીજલાઇનો તાત્કાલિક અંડરગ્રાઉન્ડ કરવા આદેશ

ભુજ, તા. 31 : રોહા (સુમરી) વિસ્તારમાં નાખવામાં આવેલી પવનચક્કીની વીજલાઇનો પસાર થાય છે ત્યાં મોર અને ઢેલના વીજકરંટ લાગવાના કારણે થતાં મોતના બનાવને પગલે ફરી નખત્રાણા નાયબ કલેક્ટરે વીજપુરવઠો બંધ કરવા અને લાઇનો અંડરગ્રાઉન્ડ કરવાનો આદેશ કર્યો છે. નાયબ કલેક્ટર પ્રવીણસિંહ જેતાવતે આજે હુકમ કરતાં જણાવ્યું હતું કે, સીમેન્સ અને સુઝલોન કંપનીના વીજવાયરો પવનચક્કી માટેના પસાર થાય છે તેમને તાત્કાલિક અસરથી જમીનમાં દાટવામાં આવે અન્યથા પગલાં લેવામાં આવશે. મામલતદાર-નખત્રાણા દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પૂર્વ રેન્જ-નખત્રાણાના અહેવાલ નજરે અત્રે અંડરગ્રાઉન્ડ વીજકેબલ નાખવા હુકમો કરવા દરખાસ્ત કરાઇ છે, જેની વિગતે સુઝલોન ગુજરાત વિન્ડપાર્ક લિ. રાજકોટ સંચાલિત (સેમ્બકોર્બ ગ્રીન ઇન્ફ્રા લિ.ની માલિકી) 33 કે.વી. વીજલાઇનમાંથી કુલ 3150 મીટર વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવાની થાય છે. જેમાં ગામથી પશ્ચિમ બાજુ ફીડર-બેમાં પોલ નં. 129થી રોહા ડુંગરથી આગળ પોલ નં. 156 સુધી, જેનું અંતર 1650 મીટર થાય છે જેમાંથી 650 મીટરનું કામ પૂર્ણ કર્યું છે. જે આ પૈકીનું બાકી 1000 મીટર અંડરગ્રાઉન્ડ કરવાનું થાય છે. ફીડર નં. બે, પોલ નં. 156થી 181 સુધીના બંને પોલની લંબાઇ 1500 મીટર થાય છે. આમ ફીડર-1 અને ફીડર-બેમાંથી અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન માટે કરવાના થતા કુલ લંબાઇ 3150 મીટરમાંથી કંપની દ્વારા 650 મીટર અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાનું કામ પૂર્ણ કરેલ હોઇ સેમ્બકોર્બ ગ્રીન ઇન્ફ્રા લિ. (સુઝલોન કંપની સંચાલિત)ને હજુ ઉક્ત વિગતે 2500 મીટર અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાનો થાય છે. સિમેન્સ ગામેસા કંપની સંચાલિત 33 કે.વી. વીજલાઇન ગામથી પશ્ચિમ બાજુના ફીડર નં. 11ના પોલ નં. 89થી ડી.પી. 110 સુધી વીજલાઇન 1000 મીટર જેટલી થાય?છે, જેમાંથી 650 મીટરની અંડરગ્રાઉન્ડ વીજલાઇન નાખવાની કામગીરી અત્રેના હુકમ અન્વયે ચાલુમાં છે, જેમાંથી બાકી રહેતી 350 મીટર કામગીરી કરવાની થાય છે. હુકમની અમલવારી તાત્કાલિક કરી વીજપુરવઠો બંધ કરવાનો રહેશે અને જ્યાં સુધી અંડરગ્રાઉન્ડ વીજલાઇન ન નખાઇ જાય ત્યાં સુધી વીજપુરવઠો ચાલુ કરવાનો રહેશે નહીં. ફોરેસ્ટમાં જમીન આવતી હોય તો સંબંધિત વિભાગની પરવાનગી મેળવવાની રહેશે. અંડરગ્રાઉન્ડ વીજલાઇન 1.5 મીટરની ઊંડાઇએ નાખવાની રહેશે. અંડરગ્રાઉન્ડમાં ભવિષ્યમાં શોર્ટસર્કિટ ન થાય તેમ રિફ્લેક્ટર સહિત તમામ તકેદારી રાખવાની રહેશે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તા. 14/8/2017વાળા ઠરાવ મુજબ સરકારમાં ભરવાની થતી 10 ટકા રકમ અથવા વપરાશી હક્ક મુજબની અલગથી દરખાસ્ત કલેક્ટરને કરવાની રહેશે અથવા જમીન વપરાશ મુજબ નિયમોનુસાર રકમ ભરપાઇ કરવાની રહેશે. અંડરગ્રાઉન્ડ લાઇન માટે વચ્ચે આવતા વૃક્ષો કાઢવા મામલતદાર, નખત્રાણા પાસેથી અલગથી પરવાનગી મેળવવાની રહેશે. હયાત વીજલાઇનના વિવાદિત જમીન ઉપરના તાર અને થાંભલા તાત્કાલિક દૂર કરવાના રહેશે. હયાત રસ્તાઓને નુકસાન ન થાય તેમ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની રહેશે તેમજ રસ્તાઓ ખુલ્લા રાખવાના રહેશે. અંડરગ્રાઉન્ડ વીજલાઇનનું સમયાંતરે મેઇન્ટેનન્સ કરવાનું રહેશે. અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખ્યા બાદ તેના ઉપર ફેન્સિંગ કરવાની રહેશે અને સળંગ ફેન્સિંગ કરી બ્લોક ન કરતાં થોડા થોડા મીટરના અંતરે જગ્યા રાખવાની રહેશે. જેથી તેના ઉપરથી પશુઓ અવરજવર કરી શકે. અંડરગ્રાઉન્ડ વીજકેબલ નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ પણ કોઇપણ સંજોગોમાં અત્રેની પરવાનગી વગર વીજપુરવઠો ચાલુ કરી શકાશે નહીં. જ્યારે કામગીરી ચાલુ કરવામાં આવે ત્યારે પ્રથમ 1.5 મીટરની?ઊંડાઇએ અંડરગ્રાઉન્ડ ખોદવામાં આવે ત્યારે સર્કલ ઓફિસર નખત્રાણા પાસે ઊંડાઇ અંગે ખરાઇ કરાવવી, ત્યારબાદ જ કેબલ અંડરગ્રાઉન્ડ નાખવાનો રહેશે. કામગીરી પૂર્ણ કર્યા બાદ બંને કંપનીઓ દ્વારા મામલતદાર નખત્રાણા અને રેન્જ ફોરેસ્ટર ઓફિસર પૂર્વ રેન્જ નખત્રાણા પાસે ખરાઈ કરાવવાની રહેશે.  સંતોષકારક કામગીરી પૂર્ણ થયા બાદ આ બંને અધિકારીઓ તરફથી યોગ્ય અહેવાલ રજૂ થયા બાદ જ વીજલાઈન ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer