ભુજમાં આ વખતે સાતમ-આઠમના મેળાઓ રદ

ભુજ, તા. 31 : કોરોના મહામારીને વધુ ફેલાતી રોકવા માટે ભુજ સુધરાઇ દ્વારા યોજાતા સાતમ-આઠમના મેળા રદ કરાયા છે. કચ્છમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ સરકાર દ્વારા વિવિધ પગલાંઓ લેવાઇ રહ્યા છે. જેમાં ભીડ થતી હોય તેવા કાર્યક્રમો પર રોક લગાવાય છે. જે અંતર્ગત આગામી માસમાં આવતા સાતમ-આઠમના મેળા પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ન યોજવા ભુજ સુધરાઇ દ્વારા નિર્ણય કરાયો છે. આ અંગે કારોબારી ચેરમેન ભરત રાણાનો સંપર્ક સાધતાં મેળા નહીં યોજાય તે વાતને સમર્થન મળ્યું હતું. લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા શ્રાવણ માસમાં આવતા પર્વોને પણ કોરોના મહામારીનું સંકટ નડયું છે. લોકોને એકત્ર ન થવા તથા તકેદારીના તમામ પગલાં ભરવા સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પડાતી રહે છે. ભુજના હમીરસર કિનારે યોજાતા સાતમ-આઠમના મેળાઓમાં માનવમહેરામણ ઊમટતો હોવાથી કોરોના વધુ ફેલાય તેવી શક્યતાને ધ્યાને લઇ નગરપાલિકા દ્વારા મેળાઓ રદ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer