આદિપુરમાં રેતીચોરીની પ્રવૃત્તિ અંતે ઝપટે

ગાંધીધામ, તા. 31 : આદિપુરમાં ટાગોર રોડ નજીક આવેલા પંચમુખી હનુમાન મંદિરના પાછળ ભાગેથી કે.પી.ટી.ની જમીનમાંથી આર.આર.સેલ પોલીસે ખનિજચોરીનું કારસ્તાન  પકડયું હતું. આ મામલે  ખાણ ખનિજ વિભાગે આજે આદિપુર પોલીસ મથકે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસના સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ ભૂસ્તરશાત્રી કચેરીના રોયલ્ટી ઈન્સ્પેકટર જયેશકુમાર પોમલે ગેરકાયદેસર ખનિજ ચોરી અંગે  ડમ્પર માલિક કારાભાઈ કરણાભાઈ ચાવડા, જે.સી.બી.ના માલિક જયેશ લવજીભાઈ વાઘમશી, ડમ્પર ચાલક પલબિંદરસિંગ સમવંતસિંગ સિંગ, ચમનજી રામચંદજી ચૌહાણ, જે.સી.બી. ચાલક જગદીશભાઈ મનસુખભાઈ સોરઠિયા  વિરુદ્ધ  ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં સામેલ ગુનેગારોએ કે.પી.ટી.ની  જમીનમાંથી  ગેરકાયદેસર રીતે  283.67 મે. ટન સાદી માટી  ખનિજનું બિનઅધિકૃત રીતે  રૂા. 49,642ની ખનિજચોરી કરી હતી.આ સ્થળેથી પકડાયેલા વાહનોની કિંમત રૂા. 5,75,753 આંકવામાં આવી હતી. પોલીસ અને  ખાણ ખનિજ વિભાગે અહીંથી 6,25,395નો  મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ અંગે આદિપુર પી.એસ.આઈ. નરેન્દ્રકુમાર ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer