અમદાવાદની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ

વસંત પટેલ દ્વારા- કેરા (તા. ભુજ), તા. 31 : સરકારે કોરોના ટેસ્ટ, સારવારની જવાબદારી ઉપાડી લીધી છે તે વચ્ચે દર્દીઓની સંખ્યા વધતાં અ'વાદની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માગતા સંક્રમિતોની સંખ્યા વધી છે, ત્યાં પણ દર્દીઓની સંખ્યા વધી જતાં ભારે હાલાકી સર્જાઇ છે. ગતરાત્રે ભુજના સંસ્કારનગરમાં રહેતા એક અગ્રણીને કોરોનાનો રિપોર્ટ શંકાસ્પદ આવતાં તેણે સિમ્સનો સંપર્ક કર્યો હતો, જ્યાં બેડ ખાલી નથી તેવો જવાબ અપાયો હતો. બાદમાં એસ.જી.વી.પી. છારોડી ગુરુકુળ હોસ્પિટલમાં દાખલ કરવા રવાના કરાયા પણ ત્યાં વેન્ટિલેટર નથી, તમારી જવાબદારીએ આવજો... તેવું જણાવાયું હતું. આ સંદર્ભે કચ્છમિત્રે અ'વાદની કોવિડ હોસ્પિટલો (ખાનગી)ની સ્થિતિ જાણતાં બેહદ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું હતું. ગરીબ દર્દીઓને ન પોષાય એવા ખર્ચે સારવાર કરતી આ ખાનગી હોસ્પિટલોમાં પૈસા ખર્ચતાં સમયસર ધારેલી સારવાર ન મળે તેવી સ્થિતિ છે. સિમ્સના જનસંપર્ક અધિકારી કેતન આચાર્યે કચ્છમિત્રને જણાવ્યું કે, અમારી પાસે કોવિડ પોઝિટિવનો એકપણ બેડ ખાલી નથી, એટલું જ નહીં સામાન્ય દર્દીઓ માટે પણ જગા નથી. જે પણ દર્દી આવે અગાઉથી જાણ કરીને આવે. તેમણે કહ્યું, અંજારથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાતાં તે અહીં આવ્યા હતા પણ જગાના અભાવે દાખલ થઇ ન શકતાં કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા હતા. જ્યાં ઓક્સિજન છે ત્યાં વેન્ટિલેટર નથી. ખાનગી દવાખાનાઓમાં પણ સાધન ખૂટયાં છે તે પરથી સંક્રમિતોની સ્થિતિનો ખ્યાલ આવે છે. ભુજના અગ્રણીએ ડો. નિશાંત પૂજારા પાસેથી દવા લીધી હતી. તાવ-શરદી-ન્યુમોનિયાના લક્ષણ જણાતાં  તેનું સીટી સ્કેન કરાયું હતું. તે પરથી કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં શુક્રવાર વહેલી સવારે તેને અમદાવાદ એસ.જી.વી.પી.માં ખસેડાયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer