બકરી ઈદ નિમિત્તે જાહેરમાં પશુઓની કતલ ન કરવા કલેક્ટરનું જાહેરનામું

ભુજ, તા. 31 : આવતીકાલે તા. 1/8/2020ના મુસ્લિમ ધર્મના `બકરી ઈદ' (ઈદ-ઉલ-અઝા)ના તહેવાર પ્રસંગે અમુક પ્રકારના જાનવરની કુરબાની આપવામાં આવે છે અને આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઇપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહ-શાંતિનો ભંગ થવા સંભવ રહે છે, તેથી જાહેરમાં કોઈ પણ પશુઓની કતલ ન કરવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારસ ચાલી રહી હોઈ પરિસ્થિતિને ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને 1973 (1974 ના નં.2) ની કલમ-144 મુજબનાં પગલા લેવાં જરૂરી જણાય છે. જેથી સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ મોટી મસ્જિદો, ઈદગાહોમાં બકરી ઈદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાનો કે જુલૂસ યોજવાની શકયતા હોય તેવા આગેવાનો/ ટ્રસ્ટીઓ/ સંચાલકો/મૌલવીઓને કોવિડ-19 અન્વયે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ યોગ્ય સમજ કરવી જરૂરી છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે.એ બહાર પાડેલા જાહેરનામામાં કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં, મહોલ્લાઓમાં વગેરે જગ્યાએ જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. કોવિડ-19ની મહામારી ચાલતી હોઇ તમામ વ્યક્તિઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. જાહેર જગ્યામાં કોઇપણ વ્યક્તિએ થૂકવું નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860ના અધિનિયમ-45ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer