અંતે મહિનાઓ બાદ ડીપીટીના બે લેબર ટ્રસ્ટીની નિયુક્તિ થઈ

ગાંધીધામ, તા.31 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના લેબર ટ્રસ્ટીઓની નિયુક્તિ મહિનાઓથી કોરોના સહિતના મામલે અટકી પડી હતી. તે દરમ્યાન કોરોનાથી જ માજી ટ્રસ્ટી મનોહર બેલાણીનું અવસાન થયું. આમ છતાં આજે મોડેમોડે તેમના સહિત બે લેબર ટ્રસ્ટીઓની નિયુક્તિના આદેશ સરકારે બહાર પાડયા હતા. ગત માર્ચ મહિને નવા ટ્રસ્ટી બોર્ડની રચના કરાઈ હતી પરંતુ લેબર ટ્રસ્ટીઓની નિયુક્તિની ફાઈલ દિલ્હી ખાતે અહીંથી તહીં લટકતી રહી હતી. દરમ્યાન ગઈકાલે ભારત સરકારના ગેઝેટ નોટિફિકેશન દ્વારા કામદાર પ્રતિનિધિ એવા મનોહર બેલાણી તથા એલ. સત્યનારાયણની લેબર ટ્રસ્ટી પદે નિયુક્તિ કરી હતી. સદ્ગત બેલાણી કોરોના સંક્રમણને લઈને નવ દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ માત્ર ફાઈલોમાં જ વહીવટ કરતા પ્રશાસને આ જરૂરી સુધારો કર્યા વિના જ એક પ્રક્રિયાના આધારે તેમને પુન: ટ્રસ્ટી પદે નિયુક્ત કર્યા છે. પ્રક્રિયા પ્રમાણે કામદાર સંગઠન જે નામ સૂચવે તેમને ટ્રસ્ટીપદ અપાય છે. શ્રી બેલાણીના કિસ્સામાં હવે આ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવી પડશે. એ મુજબ લેબર ટ્રસ્ટીની બીજી જગ્યા હજુય મહિનાઓ સુધી ખાલી રહેશે તેવું સમજાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer