કોરોના સંદર્ભે એકાંતવાસની સુવિધા માટે ડીપીટી અધ્યક્ષના આદેશને આવકાર

ગાંધીધામ, તા.31: માજી લેબર ટ્રસ્ટી અને સંકુલના વરિષ્ઠ કામદાર નેતા સહિત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના ત્રણ નિવૃત્ત કર્મચારીઓના કોરોના સંક્રમણને લઈને થયેલાં અવસાનને પગલે મહાબંદર કર્મચારીઓ તથા નિવૃત્તો માટે એકાંતવાસની સુવિધા ઊભી કરવા વિવિધ સંગઠનોએ માગણી કરી હતી. હવે ડીપીટી અધ્યક્ષે આ મુજબનો આદેશ બહાર પાડતાં તેને આવકાર મળી રહ્યો છે.ડીપીટી દ્વારા પોતાના કર્મચારીઓ તેમજ નિવૃત્તો અને પરિવારજનોને આરોગ્ય સેવા પૂરી પડાઈ રહી છે. તેવામાં કોરોના સંક્રમણને લઈને કર્મચારીઓને યોગ્ય સુવિધા નહીં મળતી હોવાની ફરિયાદ ઉઠી હતી. ડીપીટી હસ્તકની ગોપાલપુરી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનેલો જ છે ત્યારે તેના ઉપયોગની માગણી થઈ હતી. ડીપીટી અધ્યક્ષે મંગળવારે આ સંદર્ભે એક આદેશ બહાર પાડયો છે જેમાં એકાંતવાસ માટે એક હોટલમાં 10 રૂમ ભાડે રાખવા તેમજ જરૂરી પીપીઈ કિટ અર્થે રૂા. 8 લાખ ફાળવવા સહિતની બાબતો સમાવાઈ છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ઓફિસર્સ એસો.ના મહામંત્રી રવિ મહેશ્વરીએ આ આદેશ બદલ ડીપીટી અધ્યક્ષ એસ. કે. મહેતા પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી અને આ સુવિધાને ડીપીટીનો આરોગ્ય વિભાગ સારી રીતે કાર્યરત કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. કેપીટી એમ્પ્લોઈઝ વેલ્ફેર એસો.ના મહામંત્રી નીતિન શાહે પણ કોરોના સંદર્ભે ડીપીટી અધ્યક્ષ દ્વારા લેવાયેલા નિર્ણયને આવકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer