રવિવારે ફરવામાં કોરોના ન ભુલાય

રવિવારે ફરવામાં કોરોના ન ભુલાય
કોડાય (તા. માંડવી), તા. 12 : એક તરફ કચ્છમાં પણ કોરોનાથી સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉનમાં અપાયેલી રાહતનો સદંતર દુરુપયોગ કહી શકાય તેમ કચ્છના પ્રવાસન સ્થળોએ હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સિંગ તો દૂર માસ્ક પહેરવાની તસ્દી પણ ન લેવાતાં આ બેદરકારી કોરોના રોગની વાહક બને તેવું આજે વિજયસાગર ડેમ ખાતે ઊમટેલા પાંચેક હજાર કચ્છ તથા બહારથી કચ્છમાં આવેલાઓને નિહાળી લાગ્યા વિના નહોતું રહ્યું. તાજેતરના વરસાદના પગલે બે દિવસ પૂર્વે વિજયસાગર ડેમ ઓગની જતાં તેના વધામણા થયા હતા અને આજે સાંજે આ ડેમ ઉપર રવિવારની મજા માણવા સમગ્ર કચ્છમાંથી અંદાજે પાંચેક હજાર જેટલા લોકો એકત્ર થઇ કોરોનાની ગંભીરતાનો છેદ ઉડાડી દીધો હતો. હાલમાં જ્યારે કચ્છ સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને ન લેતાં અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરી, માસ્ક વગર પાંચ હજાર જેટલા લોકોનો મેળાવડો વિજયસાગર ડેમ ઉપર જામ્યો હતો અને વાહનોની પણ બે કિ.મી. જેટલી લાંબી લાઇનો લાગી હતી, જેમાં મહારાષ્ટ્ર પાસિંગની પણ અનેક ગાડીઓ જોવા મળી હતી. વિજયસાગર ડેમને જોડતો માર્ગ કાચો છે છતાં 2 કિ.મી. લાંબી લાઇનો લાગી હતી.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જો મુશળધાર વરસાદ આવી ચડે તો આ સ્થળે જાનહાનિ પણ થઇ શકે તેવી સંભાવનાઓ રહેલી હતી. કોરોના મહામારીને ભૂલી જઇ લોકોએ ઉત્સવની જેમ ઉજવણી કરતાં સદંતર બેદરકારી સામે આવી હતી. સરકાર દ્વારા કેટલીક છૂટછાટો ઉપર નિયંત્રણ અને વિવિધ કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો આવી રીતે જનમેદનીને પ્રોત્સાહન ન મળે તેવું પણ બુદ્ધિજીવીઓમાં ચર્ચાઇ રહ્યું છે. રવિવારની સાંજે આસંબિયા ચોકડી, કોડાય પુલ સહિતના સ્થળે લોકોનાં ટોળાં વળ્યા હતા. જો રવિવાર કે રજાના દિવસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય તો આવા પ્રવાસી સ્થળો કોરોનાના વાહક બનતા અટકે તેવું પણ જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer