કાસેઝના કર્મી સહિત વધુ સાત કોરોના સંક્રમિત

કાસેઝના કર્મી સહિત વધુ સાત કોરોના સંક્રમિત
ભુજ, તા. 12 : કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસ આવવાનું વણથંભ્યું જારી રહ્યું હોય તેમ આજે વધુ સાત પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંકડો 249 પર પહોંચ્યો છે. આજે સંક્રમિત થયેલાઓમાં કંડલા સેઝનો કર્મચારી, વેલસ્પનના બે કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત માનકૂવા, માધાપર અને ભચાઉના વોંધમાં પણ પોઝિટિવ કેસ દેખાયા છે. ગાંધીધામથી મળેલા અહેવાલ અનુસાર પૂર્વ કચ્છમાં અંજાર, ગાંધીધામ અને ભચાઉ તાલુકામાં કોરોનાનો કહેર બરકરાર છે. આજે નોંધાયેલા કેસમાં ઔદ્યોગિક એકમમાં નોકરી કરતા ત્રણ જણા સંક્રમિત થયા છે. ગાંધીધામ સંકુલમાં કોરોના સંક્રમણ હવે સરકારી  કચેરીઓમાં  પહોંચતા  કર્મચારીઓમાં ચિંતા પ્રસરી છે. ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત મુકેશ ગોપાલ પવારનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આદિપુરના સીસી/1 (નવવાળી) વિસ્તારમાં રહેતા આ યુવાનની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. કંડલા સેઝના એકમના કર્મચારી કોરોના સંક્રમિત થતાં કાસેઝ પરિસરમાં ભારે ચકચાર પ્રસરી છે. ઝોન પ્રશાસન દ્વારા  કોરોના રોકથામ માટેના  પ્રયાસોમાં સરકારની માર્ગદર્શિકાથી પણ એક પગલું આગળ તકેદારી રખાતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે  કંપનીના કર્મચારીને ચેપ  કયાંથી લાગ્યો તે એક યક્ષ પ્રશ્ન છે.   સંક્રમિત યુવાનને શરદી અને ઉધરસના લક્ષણ જણાયા હતા. તે ત્રણ દિવસથી  કંપનીમાં ગયો ન હતો. આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ  ધરી છે.  બે દિવસ પૂર્વે રેલવે કોલોનીમાં ગાર્ડ સંક્રમિત થયો હતો. ત્યારે હવે કાસેઝમાં પણ કોરોનાએ દેખા દેતાં ઉદ્યોગકારોમાં ચિંતા પ્રસરી છે. અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલી વેલહોમ  સોસાયટીમાં રહેતા પતિ-પત્ની વૈશાલી ભટ્ટ અને કુનાલ મુખર્જી કોરોના સંક્રમિત થયા છે. તેઓ કોરનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.એ. અંજારયાએ જણાવ્યું હતું. વેલ્સપન કંપનીના વધુ બે કર્મચારીઓ સંક્રમિત થતાં કર્મચારીઓમાં ભારે ચકચાર પ્રસરી છે. બીજી બાજુ ભચાઉ તાલુકાના  વોંધ ગામના વૃદ્ધાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતાં ગામમાં ભારે ચકચાર પ્રસરી છે. 70  વર્ષીય વિજયાબેન ઠક્કર ગત તા. 9ના  મુંબઈથી વોંધ આવ્યા હતા. મુંબઈથી જ તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવા શરૂ થઈ ગયા હતા. તેમના સંપર્કમાં આવેલા લોકોને એકાંતવાસમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. માધાપર નવાવાસ કોલીવાસમાં રહેતા અમૃતબેન સુરેશ કોલીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમૃતબેનના લગ્ન માનકૂવા ખાતે થયા હતા અને સુવાવડ માટે તે પિતાના ઘરે આવી હોવાની વિગતો સાંપડી છે. તેમના પરિવારના સભ્યો જે મજૂર વર્ગના શ્રમિક લોકો 15 લોકોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કર્યા છે. મજૂર ગરીબ વર્ગના રોજરોજનું કમાઈને ખાનારા એવા શ્રમિક વર્ગના ક્વોરેન્ટાઈન સભ્યો માટે દાતા પરિવાર તરફથી નવાવાસ પંચાયત દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવશે તેવું નવાવાસ ઉપસરપંચ અરજણભાઈ ભુડિયાએ જણાવ્યું હતું. આની વ્યવસ્થા તલાટી સુખદેવ ગજ્જરે કરી હતી. કોલીવાસ વિસ્તારને અંદરની શેરીને સીલ કરવા માટે માધાપર પી.એચ.સી. સેન્ટરના શ્રી સીજુ, પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધી 59 દર્દીને રજા અપાઈ છે તો એક્ટિવ કેસની સંખ્યા 79 છે. અત્યાર સુધી 11 લોકો આ મહામારીથી મોતના શરણે થયા છે. માનકૂવામાં જૂનાવાસ સ્થિત સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં નૈરોબીથી આવેલા દેવજીભાઇ વિશ્રામ દબાસિયાને કોરોનાના લક્ષણો દેખાતાં ગત રાત્રિએ ભુજ હોસ્પિટલમાં ખસેડી કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તેઓ વિદેશથી ભારત આવ્યા તે સમયે નિયમાનુસાર 14 દિવસ મોરબી પાસે કવોરોન્ટાઇન થયા બાદ વતન પહોંચ્યા હતા. ગત રવિવાર તેમને તાવ આવતાં જી.કે.માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તે સમય સામાન્ય તાવના લક્ષણ જોવા મળતાં ઘરે જવાની રજા મળી હતી. દરમ્યાન ગત રાત્રિએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ થતાં 108 મારફત ભુજ જી. કે. હોસ્પિટલમાં કોરોનાનું પરીક્ષણ કરતાં પોઝિટિવ લક્ષણો દેખાતાં તેમના રહેણાક માનકૂવા ખાતેની આખી શેરીને સીલ કરી 7થી 8 મકાનની આવન-જાવન પર રોક લગાવી માનકૂવા પોલીસ દ્વારા બેરીકેડ લગાવી દેવાયા છે. દરમ્યાન અન્ય કેસમાં ભાવનાબેન દિનેશ જોગી નામની 26 વર્ષની સગર્ભાને શુક્રવારે દેશલપર સ્થિત પીએચસી દ્વારા સેમ્પલ લેવાતાં કોરોના પોઝિટિવ આવતાં માનકૂવાથી ભુજ જી.કે.માં રિફર કરાયા હતા. તેમના રહેણાકના વિસ્તાર સધુરાઇને સીલ કરી દેવાયો છે. કોડકી પીએચસીના ડો. અરોરા તથા તેમની ટીમે જરૂરી સૂચના આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer