નિરોણાનું નવું પોલીસ સ્ટેશન દવાખાનામાં !

નિરોણાનું નવું પોલીસ સ્ટેશન દવાખાનામાં !
બાબુ માતંગ દ્વારા-  નિરોણા (તા. નખત્રાણા), તા. 12 : કચ્છના મોટા રણકાંઠે વિશાળ વિસ્તારમાં પથરાયેલી પાવરપટ્ટી સરહદની સુરક્ષા અને સલામતી માટે અતિ મહત્ત્વની ગણાય છે એટલે જ દાયકા જૂના પોલીસ થાણાને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી બે વર્ષ પહેલાં શરૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ પોલીસ સ્ટેશન માટે જરૂરી ભૌતિક સગવડોને અભાવે ભારે પરેશાની ઊભી થઇ છે. હાલ આ પોલીસ સ્ટેશન વર્ષો જૂના ભૂકંપગ્રસ્ત પ્રા. આરોગ્ય કેન્દ્રના થાગડ-થીગડવાળા મકાનોમાં  ચાલે છે. પોલીસ સ્ટેશનનું નવું માળખું ઊભું કરવા ગ્રામ પંચાયત તરફથી મળેલી સરકારી જમીનને સંપાદન કરવાની પ્રક્રિયા છેલ્લાં બે વર્ષથી મંદ ગતિએ ચાલતાં સુવિધાસભર પોલીસ સ્ટેશન નિર્માણની પ્રક્રિયા અટકી પડી છે. ઉત્તરે અફાટ રણપ્રદેશ અને દક્ષિણે લાંબી-લાંબી ડુંગરોની  હારમાળા જેવો વિસ્તાર ઘૂસણખોરી અને ભાગેડુ ગુનેગારો માટે સ્વર્ગ સમાન છે. અહીં વર્ષો અગાઉ પાકિસ્તાનમાંથી આઇ.એસ.આઇ. ખૂફિયા એજન્સી દ્વારા સરહદપાર કરી મોતના  સમાન ભરેલા ઊંટ સાથે ઘૂસેલા ઘૂસણખોરો આ ડુંગરોની કોતરોમાંથી ઝડપાયા હતા, તો 1992માં ભુજના ઇન્ટ્રોગેશન સેન્ટરમાંથી  નાસી છૂટેલા 13 જેટલા પાકિસ્તાની નાગરિકો પણ અહીં છૂપાયા હતા. 1993માં બાંગ્લાદેશનું નાગરિકત્વ ધરાવતા સલીમ સૈફુદ્દીન અને મોજીબુર રહેમાન નામના ઘૂસણખોરો પણ અહીંથી પાકિસ્તાન જવાની કોશિશ કરતા ઝડપાયા હતા. તો વળી ઇરાની કોલેજીયનો પણ રણમાર્ગે વાયા પાકિસ્તાન થઇ નિરોણા સુધી આબાદ પહોંચ્યા બાદ નાગરિકોએ ઝડપી પાડયા હતા. 1989-90માં જૂનાગઢ જિલ્લાની પ્રખ્યાત ઘરફોડી ચોરીની ડફેર નામક ટોળકી પણ આ વિસ્તાર પોતાના સંરક્ષણ માટે અનુકૂળ જણાતાં લાંબા સમય બાદ ગામજનોના સહયોગથી પોલીસની પકડમાં આવી હતી.આમ આ પંથકમાં ભૂતકાળના બનાવો તેમજ પંથકના 30 જેટલા ગામોની સલામતી વ્યવસ્થા સુદૃઢ?કરવા અહીંના થાણાને  પોલીસ સ્ટેશન દરજ્જો આપવામાં આવ્યો અને તાબડતોબ પોલીસ સ્ટેશનનું નવું માળખું ઊભું ન થાય ત્યાં સુધી ગામના જૂના અને ભૂકંપગ્રસ્ત પ્રા. આરોગ્ય કેન્દ્રને થીગડ-થાગડ કરી માર્ચ-2018માં બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પીયૂષભાઇ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું છે. 1 પીએસઆઇ, 4 બિનહથિયારી એએસઆઇ, 15 હેડ કોન્સ્ટેબલ, 28 પો. કોન્સ્ટેબલ, 1 હથિયારી એએસઆઇ, 5 હથિયારી હે.કો., 13 હથિયારી પો. કોન્સ્ટેબલ સહિત 67 જેટલા સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી જે પૈકી હાલ પીએસઆઇ સહિત કુલ 33નો સ્ટાફ પણ કાર્યરત થયેલો છે. પોલીસ સ્ટેશન શરૂ થયાને બે વર્ષથી પણ ઉપરનો સમયગાળો પસાર થવા છતાં આજ સુધી નવા માળખાં માટે કોઇ નક્કર કાર્યવાહી ન થતાં આદર્શ પોલીસ સ્ટેશન જરૂરી સુવિધા જેવી કે પીએસઓ રૂમ, મુલાકાતી રૂમ, વહીવટી રૂમ, મુદ્દામાલ રૂમ, ડિજિટલ  વહીવટી ઓફિસ, ઇન્કવાયરી રૂમ,  પીએસઆઇ ચેમ્બર, લોકઅપ રૂમ, વાયરલેસ રૂમ વગેરેના અભાવે પોલીસ કર્મીઓ ભારે પરેશાન બન્યા છે. દરમ્યાન પોલીસ સ્ટેશનનું નવું ભૌતિક માળખું ઊભું કરવા સ્થાનિક પંચાયતના હદમાં એક જ સ્થળે જમીન ઉપલબ્ધ ન હોઇ જમીન  સંપાદનની પ્રક્રિયા છેલ્લા બે  વર્ષથી ઘોંચમાં પડી છે. છેલ્લે થયેલા નિર્ણય મુજબ હાલ જ્યાં જૂના પ્રા. આરોગ્ય કેન્દ્રનું સંકુલ છે તેને ધ્વસ્ત કરી આ સ્થળે નવું પોલીસ સ્ટેશન ઊભું કરવું તેમજ ગામની પશ્ચિમ પાણીના ટાંકા નજીક પંચાયત હસ્તક નર્સરીની 5 (પાંચ) એકર જમીન છે, ત્યાં પોલીસ ક્વાર્ટર અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે, જે જમીન હસ્તગત કરવા પંચાયત તરફથી તમામ આધાર-પુરાવા અને ઠરાવ સહિતના કાગળો તાલુકા કક્ષાથી માંડી ઉપલી કક્ષા સુધી પહોંચાડવામાં આવેલા છે. આ બાબતે મહેસૂલ વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિકે રૂબરૂ નિરીક્ષણ કરી અભિપ્રાયો  પણ પાઠવી દેવામાં આવ્યા છે, પરંતુ જમીન સંપાદન અંગેની મંદ પ્રક્રિયાને લઇ પોલીસ આવાસ નિગમને નવું પોલીસ સ્ટેશન ઊભું કરવા અડચણ ઊભી થઇ હોવાનું જાણવા મળેલું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer