હવે મુંબઈ-કચ્છ વચ્ચે દોડતી ખાનગી બસો જોખમી

હવે મુંબઈ-કચ્છ વચ્ચે દોડતી ખાનગી બસો જોખમી
ભુજ, તા. 10 : મુંબઈમાં કોરોના મહામારી દિવસ ઊગે છે ને બેકાબૂ બનતી જાય છે. એટલે તો મહારાષ્ટ્ર સરકારે સ્થિતિની ગંભીરતાને જોતાં 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન કરી નાખ્યું છે, ત્યારે મુંબઈના રેડ ઝોનવાળા વિસ્તારમાંથી કચ્છમાં દરરોજ ખાનગી બસોમાં અંદાજે આવતા 500 કચ્છી પ્રવાસીઓ ક્યાંક હવે નવું જોખમ ઊભું કરી શકે છે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અનલોક-2ના નવા નિયમો પ્રમાણે આંતરરાજ્યમાં જવાની છૂટ આપવામાં ભલે આવી છે ને મુંબઈથી પોતાના વતનમાં આવતા કચ્છીઓ ભલે આવી રહ્યા છે, પરંતુ જે રીતે હવે કચ્છમાં રોજ 10-12 કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે ને આંકડો બેવડી સદીને પાર કરી ગયો છે ત્યારે એક સમયે સલામત ગણાતા કચ્છ વિસ્તારમાં હવે કોઈ તાલુકો પોઝિટિવ કેસ વિનાનો બાકી રહ્યો નથી.રેલવે વ્યવહાર બંધ છે તો સામે કચ્છમાં દરરોજ 7 ખાનગી બસો મુંબઈ-ભુજ વચ્ચે અવરજવર કરી રહી છે, પરંતુ .સૂત્રોએ જણાવ્યું કે, ક્યાંય કોઈ એક પણ નિયમોનું પાલન થતું નથી. ખુદ એસ.ટી. તંત્રની બસોમાં માત્ર 30 ટકા પ્રવાસીઓને બેસાડવાની છૂટ છે. એવી જ રીતે ખાનગી બસોમાં પણ સામાજિક અંતર જાળવીને બેઠક પ્રમાણે વ્યવસ્થા કરવાની સૂચના છે. પરંતુ નજરે જોનારાઓએ કહ્યું કે, જેટલી સીટિંગ હોય છે એ પૂરેપૂરી સીટિંગ  મુજબ પ્રવાસી આવી રહ્યા છે. બસોમાં નથી સેનિટાઈઝેશન થતું કે નથી ક્રીનિંગ તથા અન્ય નિયમો પાળવામાં આવતા નથી. પ્રવાસીઓ ભુજમાં ઉતરીને સીધા પોતાના ગામ કે નિયત સ્થળે જાય છે. ક્વોરેન્ટાઈનના નિયમ પણ જાળવવામાં આવતા નથી. ખરેખર આ બાબત અત્યંત ગંભીર છે. મુંબઈ ઉપરાંત અમદાવાદ પણ રેડ ઝોન છે. આ બંને સ્થળેથી અંદાજે રોજની પાંચસો વ્યક્તિઓ ભુજ ઉતરે છે. ચેકપોસ્ટ ઉપર પણ માત્ર ઔપચારિકતા નિભાવવામાં આવે છે. પરવાનગી વગર પ્રવાસી બેસાડી દેવામાં આવે છે. આ બાબતે જાગૃતિ હોવી જરૂરી છે. કોઈ પણ કચ્છીને પોતાના વતનમાં આવતા હોય તો તેની સામે વાંધો ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે બીમારીનો કહેર છે એ જોતાં થોડી કાળજી લેવામાં આવે તો વધતું સંક્રમણ અટકી શકે છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈમાં કોરોના પોઝિટિવનો આંકડો એક લાખને પાર કરી ગયો છે. સામે કચ્છમાં પણ જે મુંબઈથી આવે છે તેના સંક્રમણથી કેસ વધી ગયાનું સાબિત થાય છે. આવા સંજોગોમાં કચ્છનું વહીવટી તંત્ર ક્વોરેન્ટાઈનના નિયમ કડક બનાવે તેવી માગણી ઊઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer