લખપત તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતાં ચિંતા ફેલાઈ

લખપત તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતાં ચિંતા ફેલાઈ
દયાપર (તા. લખપત), તા. 12 : કચ્છમાં સૌ પ્રથમ લખપત તાલુકાનાં આશાલડીમાં મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરંતુ હવે ધીરેધીરે કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજી બાજુ તાલુકાના મુખ્ય મથક દયાપરમાં આવતાં આજુ-બાજુ ગામડાંના લોકો માસ્ક પહેર્યા વગર બેફિકરા થઈને ફરતા હોવાથી જોખમ વધી રહ્યું છે. વર્માનગર અને જીએમડીસીના કર્મચારી તથા તેના પરિવાર સહિત 4 જણ પોઝિટિવ થયા પછી જી.એસ.ઈ.સી.એલ. (પાનધ્રો વીજમથક)ના કર્મચારી અને તેના પરિવારના બે કેસ પોઝિટિવ આવ્યા. લખપત તાલુકામાં શરૂઆતના બે કેસ ગણતાં ઘડુલીમાં આવેલા કોરોના પોઝિટિવ કેસ સહિત હવે 9ની સંખ્યા થઈ છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. ઘડુલીમાં પોઝિટિવ કેસ દેખાતાં આરોગ્યની ટીમ અહીં દોડી આવી હતી. શિવ મંદિરની આસપાસના રસ્તાઓ બંધ કરાવ્યા હતા અને અહીંથી અવરજવરના માર્ગો પણ બંધ કરાયા છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત ભીલે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ કેસવાળા વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરી દેવાયો છે. મુંબઈથી આવેલા આ મહિલા 3 જુલાઈના અહીં ઘડુલી આવ્યા હતા. રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે હવે બહારથી આવનારને હોમ ક્વોરેન્ટાઈન કરાતાં નથી પરંતુ 60 વર્ષની ઉપરના લોકોને ઘરમાં જ રહેવા સૂચના અપાય છે. આ મહિલાને ડાયાબિટીસ પણ છે અને બે કિડની પૈકી એક કિડની પોતાના પુત્રને દાનમાં આપેલી છે. ટૂંકમાં સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે. લખપત તાલુકામાં કે પશ્ચિમ કચ્છમાં વાવણીલાયક વરસાદ થયો છે ત્યારે ધંધાર્થે બહાર વસતા પરિવારો મોટી સંખ્યામાં અહીં આવી શકે છે. સુરત-અમદાવાદ-વડોદરા વિગેરે વિસ્તારમાં તેમજ મુંબઈમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે આવનારા દિવસો સમગ્ર કચ્છ માટે દહેશતભર્યા રહેશે તે નક્કી છે. ધંધાર્થે બહાર વસતા મૂળ અહીંના જ છે, તેમને પોતાના વતનમાં આવવાનો અધિકાર છે પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણ હવે હોમ કવોરેન્ટાઈન નીકળી જતાં સંક્રમણ વધી શકે તેવી દહેશત છે. જીઈબી-જીએમડીસીમાં કે તલાટી-શિક્ષકમાં પણ મોટા પાયે ઉત્તર ગુજરાતના વતનીઓ છે. હવે કાર્ય ચાલુ થતાં તેઓ પણ મોટી સંખ્યામાં પરત પશ્ચિમ કચ્છમાં આવ્યા છે. સંક્રમણ ન થાય તે માટે જૂની ગાઈડલાઈન પ્રમાણે ખરેખર હોમ ક્વોરેન્ટાઈન અને ત્યારબાદ ટેસ્ટની પ્રક્રિયા કરવી જોઈએ તેવી પણ બૌદ્ધિકોમાં માંગ છે. દયાપરમાં આજુબાજુના 20 ગામડાઓના લોકો વિવિધ કામ, ખરીદી, સરકારી કચેરીઓના કામ, બેન્કોની લેવડ-દેવડ, દૂધના પેમેન્ટ વગેરે માટે દયાપર આવે છે. મોટા ભાગના લોકોએ માસ્ક પહેરેલા હોતા જ નથી. ત્યારે પોલીસ આ બાબતે વધારે કડક થાય તે જરૂરી છે. ફક્ત વેપારીઓ સામે દંડ કરવાના બદલે બહારથી મોટી સંખ્યામાં આવતા માસ્ક વગરના લોકોને પણ સમજાવવાની જરૂર છે. બેન્કોમાં કામથી આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતાં નથી અને મોટી સંખ્યામાં ટોળાં સ્વરૂપે ઊભા રહે છે જે જોખમી છે. અશિક્ષિત લોકોને કોરોના વિશે, માસ્ક વિશે પૂરી સમજણ આપવી હજુ જરૂરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer