ભુજના ભીડ નાકા પાસે જર્જરિત માર્ગથી પરેશાની

ભુજના ભીડ નાકા પાસે જર્જરિત માર્ગથી પરેશાની
ભુજ, તા. 12 : શહેરના ભીડ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી માર્ગની હાલત દયનીય બની છે. વર્ષોથી અહીં નવો માર્ગ બન્યો જ ન હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ ભારે વરસાદને પગલે માર્ગ પરના ખાડાઓમાં ભરાયેલા પાણીને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. ભુજમાં ભીડ નાકા નજીકનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં પડયો છે. અહીં ખરીદી કરવા આવેલા કે પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરના વરસાદને પગલે આ માર્ગે પાણી ભરાતાં લોકોની મુશ્કેલી વધી ગઇ હોવાની લોકફરિયાદ ઊઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી આ માર્ગ બન્યો જ ન હોય તેવું જાગૃત નાગરિકોને લાગી રહ્યું છે.ઉપરોકત વિસ્તારમાં વારંવાર સર્જાતી ગટર સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને સુધરાઇના સત્તાધીશો કાયમી હલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભુજના અરિહંતનગરમાં નંદન કોમ્પ્લેક્ષ નજીક વરસાદ સમયે પાણી ભરાય અને તેની સાથોસાથ ગટર પણ ઊભરાય અને આ વિસ્તારમાં અવર-જવર સાવ બંધ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થતી હોવાથી રહેવાસીઓ ત્રસ્ત થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નગરસેવકોને રજૂઆત કરતાં માર્ગની માપણી પર થઇ ગઇ હતી, પરંતુ કામ શરૂ ન થતાં નારાજગી ફેલાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer