અમદાવાદ સિમ્સમાં બે વર્ષની બાળાનું લિવર પ્રત્યારોપણ સફળ

અમદાવાદ સિમ્સમાં બે વર્ષની બાળાનું લિવર પ્રત્યારોપણ સફળ
વસતં પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 12 : હીરવા લિવર પ્રત્યારોપણ કરાવનારી રાજ્યની પ્રથમ નાની વયની બાળ બની છે. તેની ઉમર માત્ર બે વર્ષની છે. તે લિવરની વારસાગત બીમારી ધરાવતી હતી. અમદાવાદ સિમ્સે સિમાચિહ્ન સમી સર્જરી પાર પાડી જીવ બચાવ્યો છે. ધંધાદારી આરોગ્ય સેવાની ચર્ચા વચ્ચે સિમ્સ હોસ્પિટલે હૃદય પછી લિવર પ્રત્યારોપણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તાજેતરમાં રિક્ષાચાલક ગરીબ પિતાની બે વર્ષની પુત્રી દાખલ થઈ હતી. તેના સહોદરે પણ આ બીમારીમાં જીવ ગુમાવ્યો હતો. સિમ્સના સ્થાપક ડો. કેયૂર પરીખે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કહ્યું, કોરોના મહામારીને કારણે અંગ પ્રત્યારોપણ જોખમી હતું. બાળકી ખૂબ નાની વયની હતી, પીડા અસહ્ય હતી. તેણે હિંમતપૂર્વક લડત આપી સર્જરી સફળ રહી. ડો. બીલીરોય એવોર્ડ વિજેતા તબીબ ડો. આનંદ ખખરની આગેવાનીમાં ઓપરેશન ટીમ હીરવાએ પડકાર ઉપાડયો. ડો. પરીખે ઉમેર્યું કે, હીરવાની માતાએ લિવરનો એક હિસ્સો દાન આપ્યો અને અમારા ડોક્ટરની તજજ્ઞ ટીમે એક અજાયબ કહી શકાય તેવી સર્જરી કરી ગુજરાતને મેડિકલ ક્ષેત્રે યશ અપાવ્યો. હાલ બેબી હીરવા સાજી થતી જાય છે. સિમ્સ હોસ્પિટલે અંગદાન કરનારા દાતા અને સહયોગી સૌનો આભાર માન્યો હતો. પ્રત્યારોપણ ટીમના વરિષ્ઠ સભ્ય અને રાજ્યના પ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટના સર્જક ડો. ધીરેન શાહ `કચ્છમિત્ર'ને જણાવે છે કે, આ સર્જરી શક્ય બનાવવામાં અમને ગુજરાત સરકારે નોંધપાત્ર સહાય આપી છે. કોવિડકાળમાં સહયોગ પૂરો પાડવા બદલ ડો. જયંતી રવિ અને ડો. રાઘવેન્દ્ર દીક્ષિતના આભારી છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. ધીરેન શાહ સહિતના કાર્ડિયાક તબીબોના કારણે સિમ્સ ન માત્ર ગુજરાત પણ સમગ્ર પશ્ચિમ ભારતની શ્રેષ્ઠ કાર્ડિયાક ટીમ તરીકે ઉભરી છે. ઓપરેશન ટીમ હીરવા સર્જરીમાં ડો. ગૌરવ પટેલ, ડો. અમિત ચિતલિયા, ડો. હિમાંશુ શર્મા, ડો. પ્રાચી બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ અચાર, એનેસ્થેટિસ્ટ ડો. નિરેન ભાવસાર, દીપક દેસાઈ, આનંદ ખખરનો સમાવેશ થયો હતો.હેલ્થકેરમાં સિમ્સ હોસ્પિટલ હજી મોખરે હોવાનું આરોગ્ય સર્વેમાં પુરવાર થયું છે. સારવારના ઊંચા દર બાબતે ચર્ચાઓ થતી રહે છે, પરંતુ ગુણવત્તા અને ડોક્ટર-પેરા મેડિકલના ઊંચા માપદંડમાં સિમ્સ પશ્ચિમ ભારતની શ્રેષ્ઠત્તમ હોસ્પિટલ બની છે. જેમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અખાતી દેશો, યુક્રેન, રશિયા સહિતના દેશોના મૂળ ભારતીય ન હોય તેવા દર્દીઓ અહીં સારવાર લેવા આવે છે.તાજેતરમાં કચ્છ સંલગ્ન મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય સહિતના સંતોને કોવિડ મામલે અહીં સઘન સારવાર અપાઈ રહી છે. જે.સી.આઈ., યુ.એસ.એ., એન.એ.બી.એલ., એક્રીડિટેશન ધરાવતી સિમ્સ આંતરરાષ્ટ્રીય સ્તરે સારવાર અને દર્દી સલામતીના રેન્કમાં સ્થાન પામી હોવાનું સિમ્સે એક યાદીમાં જણાવ્યું હતું. 
    સિમ્સ : 100 ટકા સફળતા  અહીં લિવર પ્રત્યારોપણનો પ્રોગ્રામ માત્ર છ માસ જૂનો છે. 6 પ્રત્યારોપણ થયા છે.  છએ છ સફળ રહ્યા છે. મૃત્યુઆંક શૂન્ય છે. 100 ટકા સફળતા છે. લિવર પ્રત્યારોપણમાં આવી સફળતા આસાનીથી હાંસલ થતી નથી એવું કહેતાં સિમ્સ પી.આર.ઓ. ડો. કેતન આચાર્યે દર્દીઓના સહયોગ અને ખાસ કરીને કચ્છીઓના વિશ્વાસનો આભાર માન્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer