અઢી ઈંચ વરસાદથી રણ વચાળે વેડહાર મોટી વિખૂટું

અઢી ઈંચ વરસાદથી રણ વચાળે વેડહાર મોટી વિખૂટું
નિરોણા (તા. નખત્રાણા), તા. 12 : જિલ્લાના મોટા રણ સ્થિત અને કચ્છી નળ સરોવર ગણાતા છારીઢંઢના કિનારે વસેલી સોઢા વસાહત વેડહાર-મોટી નજીકની લાંબી પાપડી બે દિવસ પહેલાં પડેલા અઢી ઈંચ વરસાદને લઈ રફેદફે થતાં વિખૂટી બની છે. જેને લઈ જનજીવન પર ભારે અસર થઈ છે. 1971-72માં પાકિસ્તાનથી હિજરત કરી આવેલા સોઢા શરણાર્થીઓની અનેક વસાહત પાવરપટ્ટી કે તેની આસપાસ ઊભી થઈ છે. જે મોટા ભાગ ડેમ-તળાવ જેવા પાણીના કાયમી સ્રોતના આશરા પર વસેલી છે. આ તાલુકાના મથલના પહાડી પંથકમાંથી નીકળતી નદી પર આડબંધ બનશે તેવી ગણતરી સાથે ઝુરા-કેમ્પથી વિખૂટા થઈ અનેક પરિવારોએ છારીઢંઢ નજીક રણકાંઠે વેડહાર મોટી નામની વસાહત ઊભી કરી છે. તાલુકા મથક સાથે વિરાણી, જતાવીરા, પૈયા, છારીનો માર્ગ આ ગામને સાંકળે છે. ગામથી આગળ રસ્તા વચ્ચેથી મથલની નદી પસાર થાય છે. નદીપટમાંથી અવર-જવર માટે વર્ષો અગાઉ 400 મીટર લાંબી પાપડી પણ બનાવવામાં આવી છે. જે વર્ષોથી તૂટી-ફૂટી હાલતમાં છે. પંથકમાં બે દિવસ અગાઉ પડેલા અઢી ઈંચ જેવા વરસાદ બાદ નદીમાં ઘોડાપૂરને લીધે આ પાપડી ભારે રફેદફે થતાં નદી વચ્ચેનો રસ્તો બે દિવસથી ઠપ છે. ગામના અગ્રણી મેઘુભા સોઢાના જણાવ્યા મુજબ રસ્તો બંધ થયા પછી અવર-જવર અટકી જતાં ભારે પરેશાની ઊભી થઈ છે. ગામની ઉત્તર બાજુએ નીકળતા અને બન્ની સાથે જોડાતા રસ્તાઓ પણ વરસાદને લઈ ઠપ બન્યા પછી ગામ તાલુકા મથકથી બિલકુલ વિખૂટું પડી ગયું છે. અંદાજે 700 જેટલી વસતી ધરાવતા આ ગામને અરલ નજીકના વીજ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો મળે છે. વરસાદને પગલે વીજ લાઈનના થાંભલા પણ ધરાશાયી થયા પછી છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો સદંતર ઠપ છે. ગામલોકોના જણાવ્યા મુજબ આ બાબતે અવાર-નવાર સબ સ્ટેશન પર ફોન કર્યા છતાં વીજ કર્મચારીઓ વીજલાઈન દુરસ્ત કરવા ફરક્યા નથી. બીજી બાજુ આ વસાહત રસ્તા વચ્ચેની પાપડીના ધોવાણને લઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મોટી પરેશાની ઊભી થઈ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પાપડીને દુરસ્ત કરી વાહન વ્યવહાર શરૂ કરવા યોગ્ય પગલાં ભરે તેવી માંગ ગામલોકો કરી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer