આડેસર પોલીસે ટ્રકમાંથી 12.43 લાખનો દારૂ ઝડપ્યો

ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનની ટીમે રાધનપુરથી સામખિયાળી તરફ આવતા ધોરીમાર્ગ ઉપર પલાંસવા નજીક ભુસાની બોરી ભરી પરિવહન કરતી ટ્રકના ચોરખાનામાંથી 12.43 લાખનો દારૂ પકડી પાડયો હતો.આ પ્રકરણમાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો  આપતાં કહયું હતું કે ચોક્કસ પ્રકારની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી માખેલ ટોલનાકાથી પલાંસવા વચ્ચે સામખિયાળી  તરફ આવતી  ટ્રક નં. આર.જે. 24 જી.એ.1734ને રોકી તપાસ   હાથ ધરી હતી. દરમ્યાન ટ્રકના પાછળના ભાગે બનાવાયેલાં  ચોરખાનામાંથી પોલીસે એપીસોડ વ્હીસ્કી અંગ્રેજી દારૂની 750  એમ.એલ.ની 3552 બોટલ  કબ્જે લીધી  હતી. જેની કિંમત રૂા. 12,43,200  આંકવામાં આવી હતી. પોલીસે દારૂના ગુનામાં સામેલ અને  ટ્રક ચાલક આરોપી શશીરામ સોહનલાલ ગુર્જરની ધરપકડ કરી તેની પાસેથી  રોકડા રૂા. 7840, ત્રણ મોબાઈલ ફોન કિ. રૂા.6 હજાર,15 લાખની ટ્રક સાથે કુલે  રૂા.27,57,040નો મુદામાલ   મેળવ્યો હતો. પકડાયેલી ટ્રકમાં જવની ફોતરી ભરેલી ભુસીની બોરી રાખવામાં આવી હતી જેની લાકડાની પ્લાય ગોઠવી ચોરખાનું બનાવાયું હતું. જેમાંદારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.આટલી મોટી માત્રામાં  પકડાયેલો દારૂનો જથ્થો કોનો હતો ?  કોણે મંગાવ્યો હતો ? અને કોને આપવાનો હતો ? આ પ્રકરણમાં અન્ય કેટલા આરોપીઓ સામેલ સહિતના મુદાને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો છે. આ કામગીરીમાં રેન્જ વડા સુભાષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ પોલીસ વડાના માર્ગદર્શન તળે આડેસર પી.એસ.આઈ. એ.પી. જાડેજા,બલભદ્રસિંહ ઝાલા, બલભદ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, હકુમતસિંહ જાડેજા સહિતનો સ્ટાફગણ જોડાયો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer