કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસનો વધતો ગ્રાફ ચિંતાજનક

ભુજ, તા. 12 : જૂન માસથી સમગ્ર દેશમાં લોકડાઉનના ચાર તબક્કા પછી અનલોકના તક્કાની શરૂઆત કરવામાં આવી છે પણ અનલોક અંગેની મળેલી વ્યાપક છૂટછાટના પગલે કચ્છમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.માર્ચ-એપ્રિલમાં કોરોના પ્રમાણમાં અંકુશમાં રહેવા સાથે આ જિલ્લો બે વાર કોરોનામુક્ત થઇ ગયા બાદ આંતરિક તેમજ જિલ્લા-રાજ્ય બહારના લોકોને આવાગમનની છૂટ અપાયા પછી મે માસના બીજા અઠવાડિયાથી કોરોનાના કેસ વધવાનો સિલસિલો શરૂ થયો હતો. મે માસમાં 74 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા પછી જૂનમાં અનલોકનો તબક્કો શરૂ થવા સાથે સુરક્ષા દળની વિવિધ પાંખના જવાનો કચ્છ સરહદે ડયૂટી જોઇન કરવા આવવા લાગતાં પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યે હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મે માસ કરતાં જૂનમાં પોઝિટિવ કેસ 10 ટકા જેટલા વધી 82ના આંક પર પહોંચ્યા છે. અનલોક બાદ રાજ્યના 20 જિલ્લામાં કેસ વધ્યા છે, તેમાં કચ્છનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીએ કચ્છની સ્થિતિ સારી ગણાય પણ સંતોષકારક નહીં. અનલોકના બીજા તબક્કાના આરંભ સાથે છૂટછાટેનું પ્રમાણ વધ્યું છે. ત્યારે કેટલાક જાણકારો એ બાબતે ટકોર કરી રહ્યા છે કે જો હજુય તકેદારી કેળવવા પ્રત્યે ગંભીરતા નહીં દેખાડાય તો સ્થિતિ આથીય વધુ વણસી શકે છે. છૂટછાટો મળ્યા બાદ જે રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડાવી રહ્યા છે એ બાબતને આ તકે ગંભીર ગણાવાઇ રહી છે. પોઝિટિવ કેસ વધતાં જિલ્લાનો રિકવરી રેટ ઘટવા સામે એકિટવ કેસમાં વધારો થયો છે.જુલાઇ માસની વાત કરીએ તો 11 દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 73 કેસ નોંધાતા આ મહિનામાં પોઝિટિવ કેસનો આંકડો રેકોર્ડબ્રેક આંકે પહોંચે તેવી સંભાવનાને નકારાતી નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer