મુંદરામાં ઓનલાઇન આંકડામાં ટોળે વળતા ખેલૈયાથી કોરોના વધવાની ભીતિ

મુંદરા, તા. 12 : આ નગરમાં નદીવાળા નાકા વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહેલી ઓનલાઇન આંકડા જેવી પ્રવૃત્તિ થકી કાયદા સાથે સામાજિક અંતરની જાળવણી સહિતના વર્તમાન સમયના અમલી નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાની ફરિયાદો ઉઠી છે. વેપારી કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમ મજલે ચાલતી આ પ્રવૃત્તિને લઇને નાનકડી એવી જગ્યામાં 30 થી 40 જણની હાજરી સતત જોવા મળી રહી છે. તો પાનમસાલા અને માવાની ફેંકાયેલી પીચકારીઓના ચિન્હો પણ નરી આંખે જોવા મળી રહયાં છે. આ સ્થિતિમાં કોરોના સંક્રમણ વધવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. નગરજનોએ ચિંતિત સ્વરે જણાવ્યું હતું કે હાલમાં મુંદરામાં કોરોનાના બે કેસ સામે આવી ચૂકયા છે તેવા સમયે આ પ્રકારની સ્થિતિ સામાન્ય લોકો માટે ભય પમાડનારી બનવા લાગી છે. કોમ્પ્લેક્ષના વેપારીઓએ કરેલી ટિપ્પણી મુજબ આવી પરિસ્થિતિ વચ્ચે ગ્રાહકો પણ આવતા ડરી રહયા છે. તો મુખ્ય પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે ઓનલાઇન આંકડા જેવી આ પ્રવૃત્તિ કાયદેસર કે ગેરકાયદેસર ? પોલીસનું હજુ આ દિશામાં ધ્યાન ન જતા આશ્ચર્ય ફેલાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer