માત્ર લખપત તા.માં જ સરેરાશ પચાસ ટકાથી ઓછો વરસાદ

ભુજ, તા. 12 : છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છમાં વરસી રહેલી મેઘમહેરનાં પગલે સરેરાશ વરસાદનું ચિત્ર ઉલ્લેખનીય રીતે પલટાયું છે. જિલ્લાના દસ પૈકી હવે માત્ર લખપત તાલુકો જ એવો રહ્યો છે કે જ્યાં સરેરાશનો 50 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે. તે સિવાયના 9 તાલુકામાં 55થી લઇ 152 ટકા સુધીનો વરસાદ વરસ્યો છે. જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર કચ્છ જિલ્લામાં 412 મિ.મી.ની સરેરાશ સામે અત્યાર સુધી 327.5 મિ.મી. એટલે કે 79.50 ટકા વરસાદ અત્યાર સુધી વરસી ચૂકયો છે. જિલ્લામાં સૌથી વધુ 152.82 ટકા વરસાદ માંડવીમાં પડયો છે. 93.19 ટકા સાથે મુંદરા બીજે તો 85.81 ટકા સાથે અંજાર ત્રીજા નંબરે આવે છે. 83.80 ટકા સાથે ભુજ ચોથા તો 76.81 ટકા સાથે ગાંધીધામ પાંચમા નંબરે છે. 73.39 ટકા સાથે નખત્રાણા છઠ્ઠે તો 63.11 ટકા સાથે રાપર સાતમે, 59.68 ટકા સાથે ભચાઉ આઠમે અને 55.73 ટકા અબડાસા નવમા જ્યારે સૌથી ઓછા 39.52 ટકા વરસાદ સાથે લખપત સરેરાશમાં સૌથી છેલ્લા નંબરે છે.મહત્ત્વની બાબત એ છે કે ગત અઠવાડિયે કચ્છનો સરેરાશ વરસાદ 27 ટકા હતો જે સપ્તાહના સમયગાળામાં 53 ટકાના મોટા વધારા સાથે 80 ટકાની નજીક પહોંચી ગયો છે તો પાછલા કેટલાંક વર્ષોની વાત કરીએ તો જૂન બાદ જુલાઇમાં આટલો ભારે વરસાદ વરસ્યો હોય તેવું ઘણાં વર્ષો પછી  દેખાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer