નાગલપુર પાંજરાપોળ પાછળ ચેકડેમ તૂટતાં જમીન ધોવાઇ

માંડવી, તા. 12 : તાજેતરમાં અહીં પડેલા ભારે વરસાદ બાદ માંડવીની પાંજરાપોળ ગૌશાળાની નાગલપુર શાખા ખાતેની પાછળથી આવતી ભરંડી નદીનું પાણી રુકમાવતી નદીમાં મિશ્રિત થાય છે. બારેક વર્ષ પહેલાં જળસંચય યોજના અંતર્ગત બનાવેલા ચેકડેમમાં મરંમત તેમજ પ્રિમોન્સૂનની કામગીરી ન થતાં ડેમની સાઇટ તૂટી પડી છે. બાવળની ઝાડીના કારણે ચેકડેમનું ઓગન બંધ થતાં સાઇડની પાળ તૂટી પડતાં બાજુમાં આવેલી માંડવી પાંજરાપોળની જમીનમાં પાણી ફરી વળતાં બે એકર જમીનનું સંપૂર્ણ ધોવાણ થયું છે. આ ચેકડેમનું મરંમતનું કામ સત્વરે નહીં થાય તો પાંજરાપોળમાંના ઘાસના ગોદામો તથા તેમાં રહેલા 50 લાખના સૂકા ઘાસચારાને ભારે નુકસાન થાય તેમ છે. આ ઉપરાંત બાજુમાં જ આવેલી જાદવજી વીરજી રાબડિયાની જમીન તથા જતનગરના રહેણાકના મકાનોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.આ બાબતે માંડવી પાંજરાપોળ ગૌશાળાના માનદ્મંત્રી જગદીશસિંહ જાડેજાએ માંડવી મામલતદાર આર.બી. ડાંગી તથા પૂરરાહત અધિકારી યુવરાજસિંહ ગોહિલને જાણ કરતાં તેઓએ સર્વે કરી અહેવાલ તૈયાર કરીને આગળ મોકલ્યો હતો. આ રજૂઆતમાં માંડવી પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ મૂલચંદભાઇ શાહ, મનુભા જાડેજા, જગદીશસિંહ જાડેજા, ભરતભાઇ વોરા, ઝુમખલાલ શાહ, હિંમતભાઇ રાવલ તથા ધનજીભાઇ ડાભી સાથે રહ્યા હતા, તેમજ ટ્રસ્ટી મંડળે આ બાબતે સરકાર યોગ્ય કરે તેવી માગણી કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer