ભુજમાં રાજગોર સમાજની ત્રણે સમાજવાડીનાં ભાડાં 50 ટકા ઘટયાં

ભુજ, તા. 12 : વૈશ્વિક કોવિડ-19 કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં આમઆદમી દરેક રીતે મુશ્કેલીમાં મુકાયો છે. ધંધા-રોજગાર મંદ પડયા છે અને ખાનગી નોકરિયાત વર્ગની હાલત અત્યંત કફોડી બની છે. આ વચ્ચે પણ લોકો જરૂરી એવા?શુભાશુભ પ્રસંગો સરકારની મંજૂરી લઇને ઊજવતા હોય છે ત્યારે ભુજ રાજગોર સમાજે કારોબારીની મિટિંગમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇને પોતાની ભુજમાં આવેલી ત્રણે સમાજવાડીના વર્તમાન ભાડામાં 50 ટકા ભાડું ઓછું કરીને પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. સમાજના મહામંત્રી વિજયભાઇ?બી. ગોરના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારીમાં પ્રમુખ જનકરાય નાકરની સહમતીથી લીધેલા મહત્ત્વપૂર્ણ ઠરાવમાં જ્યાં સુધી સરકાર દ્વારા વર્તમાન પરિસ્થિતિ થાળે ન પડે અને આદેશ ન થાય ત્યાં સુધી રાજગોર સમાજની મુક્તાબેન ઉમિયાશંકર નાકર આર.ટી.ઓ. રિલોકેશન વાડી, મીઠાબાઇ શંકરજી તાળપત્રીવાલા મઢી ફળિયા ડાંડા બજાર ગામતળ વાડી અને સરપટ?નાકા સ્થિત ત્ર્યંબકેશ્વર સમાજવાડીના વિજ્યાબેન વીરજી પેથાણી પાર્ટીપ્લોટ અને રતિલાલ નારાણજી ગાંધી પાર્ટી પ્લોટના જે હાલના ભાડાં છે તેના અડધા ભાડાં વસૂલ કરવામાં આવશે. 50 ટકા ભાડું તા. 10/7/2020થી લાગુ પડશે. લાભ રજગોર, બ્રાહ્મણ સમાજ અને અન્ય સમાજ એટલે કે સાર્વજનિક રહેશે. કારોબારીની બેઠકમાં તાજેતરમાં સમાજના વિકાસમાં  મહત્ત્વપૂર્ણ યોગદાનકર્તા પરિવારના સ્વ. હર્ષાબેન જોશી તથા સ્વ. હસમુખભાઇ ગોરના થયેલા અવસાનથી દુ:ખની લાગણી વ્યક્ત કરાઇ હતી. સમાજના મંત્રી ઊર્વશીબેન ગોર, સહમંત્રી હેતલબેન ગોર, ખજાનચી ભરત નાકર, ટ્રસ્ટી અરવિંદ ગોર, સહખજાનચી જયંતીલાલ બાવા સહિતના કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેવું સમાજ પ્રવક્તા વસંત અજાણીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer