નિરોણા વીજ સમસ્યાથી ભારે ત્રસ્ત

નિરોણા (તા. નખત્રાણા), તા. 12 : પાવરપટ્ટીના મુખ્ય મથક સમા આ ગામને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ દત્તક લીધાં પછી ગામની સ્વાયત્ત વીજ લાઇન ઊભી કરી 24 કલાક વીજ પુરવઠો ચાલુ રાખવાની વીજ તંત્ર દ્વારા આપવામાં આવેલી બાંહેધરીનું પાલન ન કરતાં ગામમાં વધેલા વીજ ધાંધિયાથી ગામજનો ભારે પરેશાન છે. આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગામનું એક પ્રતિનિધિ મંડળ મંત્રી પાસે રૂબરૂ ફરિયાદ કરી ગાંધીચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે. હસ્તકલા-કારીગીરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત અને કલાની પંચતીર્થી ગણાતાં આ ગામને કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાનીએ દત્તક લીધેલું છે. દત્તક લેતાં પહેલાં ગામના વિકાસ માટેની કાર્યવાહી હાથ ધરવા જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને ગામમાં બોલાવી ગામજનોના મંતવ્યો અને સૂચનો લેવાયા હતાં. ગામની વર્ષો જૂની વીજ પુરવઠાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામ નજીકનાં 66 કે.વી. સબસ્ટેશનમાંથી ગામની અલગ જ વીજ લાઇન ઊભી કરી 24 કલાક વીજ પુરવઠો આપવાની રજૂઆતને પગલે વીજ તંત્રે આ અંગે વહેલી તકે ઘટતું કરવાની બાહેંધરી આપી હતી. ગામને દત્તક લેવાયાના બે વર્ષ જેટલો સમય પૂરો થવા છતાં વીજ તંત્ર દ્વારા ગામની અલગ વીજલાઇન ઊભી કરવાનું વચન પાડયું નથી. જેને લઇ ચોમાસાની સિઝન દરમ્યાન ભારે વીજ ધાંધિયાથી ગામજનો ભારે પરેશાન  બન્યા છે. નિરોણા વીજ સબ સ્ટેશનમાંથી હરિપુરા, મેડીસર, અમરગઢ, અમૃત ફાર્મ, બિબ્બર, ખારડિયા અને વંગ સહિતના ગામો વીજ પુરવઠાનો લાભ લે છે. આ ગામો સાથે સાંકળતી વીજલાઇન મોટા ભાગે વાડી વિસ્તાર કે જંગલમાંથી પસાર થાય છે. આ વીજ લાઇનને અવરોધરૂપ ઝાડી વરસાદી મોસમ પહેલાં નિકાલ ન કરાતાં લાંબીલચ લાઇનમાં વારંવાર ફોલ્ટ થાય છે. નિરોણા ગામથી અનેક કિ.મી. દૂર ફોલ્ટ થયાં પછી ગામમાંથી નીકળતી વીજ લાઇન ઠપ બને છે. જેને લીધે 9000 વસતી ધરાવતાં આ ગામમાં વીજ પુરવઠો અનેકવાર ખોરવાયેલો રહે છે. ગામલોકોની વારંવાર ફરિયાદ છતાં તંત્ર દ્વારા દાદ ન મળતાં કંટાળેલા ગામજનોનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પાસે ફરિયાદ કરી ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ગામના અગ્રણી એન.ટી. આહીરે ઉચ્ચારી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer