આડેસરમાં ખેલીઓ એકત્ર કરી ઘરમાં ચલાવાતો જુગારનો અડ્ડો ઝપટમાં

ગાંધીધામ,તા. 12 : રાપર તાલુકાના આડેસર ગામમાંથી એલ.સી.બી.એ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. આ જુગારધામમાંથી 7 શખ્સોની ધરપકડ કરી પોલીસે રોકડ રૂા.26,810 હસ્તગત કર્યા હતા. આડેસરનાં કરસલીવાસ, જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેનારો જિતેન્દ્ર ઉમિયાશંકર જોશી નામનો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો.આ શખ્સ ખેલીઓને જુગાર રમવાનું સાહિત્ય પૂરું પાડી તેમની પાસેથી નાલ ઉઘરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. એલ.સી.બી.એ દરોડો પાડવા અંગે વોરેન્ટ મેળવી આ શખ્સના મકાનમાં દરોડો પાડયો હતો. મકાનના બીજા રૂમમાં 7 શખ્સો ગોળ કુંડાળું વાળી પત્તાં ટીચી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને મકાન માલિક જિતેન્દ્ર ઉમિયાશંકર જોશી, પ્રકાશ નરસીં ઠક્કર, અણદા માદેવા આહીર, ખેંગાર જીવણ આહીર, લાલા ખોડા આહીર, ઉમેષ હરજીવન ઠક્કર અને રણજિતસિંહ તખતસિંહ જાડેજા નામના શખ્સોને દબોચી લીધા હતા. ગંજીપાના વડે જુગાર ખેલી પોતાનું નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 26,810 તથા 7 મોબાઈલ એમ કુલ રૂા. 33,810નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer