ભુજના સંસ્કારનગર-ગાયત્રી મંદિર વિસ્તારમાં સુરક્ષાના અભાવે અપરાધીઓને મોકળું મેદાન

ભુજ, તા. 12 : જિલ્લાના આ મુખ્ય મથક ખાતે કોટ બહારના વિસ્તારમાં સૌ પહેલાં વિકસેલાં સંસ્કારનગર અને તેને જોડતા તથા સંલગ્ન એવા લાંબા અને પહોળા વિસ્તારમાં કાયદાના રક્ષકોના ચોકીપહેરાનો અભાવ ધ્યાન ખેંચવા સાથે ચિંતાનો વિષય બન્યો છે. એકબાજુ પોલીસદળ નવીનવી પોલીસચોકી ખોલવા ક્ષેત્રે પ્રવૃત્ત છે, જ્યારે આ વિસ્તારમાં અગાઉ હતી તે ચોકીનો પણ સંકેલો થઇ જતાં આ જૂનો મુદ્દો પુન: સપાટી ઉપર આવ્યો છે. તાજેતરના દિવસોમાં બનેલા એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.ને તોડવાના ગોળીબાર સાથેના મામલા અને સામાન્ય વ્યક્તિને સ્પર્શતા રોજબરોજના નાનામોટા મુદ્દાઓ થકી ચોકીપહેરા વગરના આ મહત્ત્વના અને સમૃદ્ધ વિસ્તારનો મુદ્દો રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે આ બાબતે ગંભીરતાથી વિચારી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરાઇ રહી છે. થોડાંક વર્ષ પહેલાં આ વિસ્તારના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના એવા મંગલમ ચાર રસ્તા ખાતે કાયદેસરની પોલીસ ચોકી કાર્યરત હતી, પણ આ ચોકી ધીરેધીરે ક્યારે સંકેલાઇ ગઇ તે બાબતે જાણે કોઇનું ધ્યાન જ ગયું નથી. આ સ્થિતિમાં અત્યારે હંગામી એસ.ટી. બસ સ્ટેશન પણ આ વિસ્તારમાં કાર્યરત થયેલું હોવાના કારણે રોજ લોકોની સારી એવી અવરજવર રહે છે. શહેરના જૂના બસ સ્ટેશનમાં પોલીસ ચોકી હતી તે હંગામી મથકમાં કાર્યરત છે કે કેમ તેના વિશે પણ કોઇ ચિહ્નો જોવા મળતાં નથી. સરવાળે લાંબો અને પહોળો કહી શકાય તેવો વિસ્તાર ચોકિયાતો વિનાનો બન્યો હોવાની લાગણી પણ રહેવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.  મહાદેવ નાકાં બહારથી છેક રઘુવંશી ચોકડી અને ઇજનેરી તથા પોલીટેકનિક કોલેજ સહિતના હિલગાર્ડન વિસ્તાર અને બીજીબાજુ કોડકી રોડથી ગણેશનગર સુધીના પટ્ટામાં કોઇ પોલીસચોકી છે જ નહીં. અલબત્ત પોલીસની મોબાઇલનું પેટ્રોલિંગ ચાલુ હોય છે, પણ તે વિસ્તારના વ્યાપને લઇને અપૂરતું હોવાનું રહેવાસીઓનો સમૂહ જણાવી રહ્યો છે. તો બીજીબાજુ શહેરમાં વિવિધ 291 સ્થળે લગાવાયેલા સી.સી.ટી.વી. કેમેરા પણ આ વિસ્તારમાં ખાસ કરીને રાવલવાડી તરફના ત્રિભેટા પર સી.સી.ટી.વી.ની ખાસ જરૂર છે. જરૂર હોય તેવા ઘણા સ્થળે ન હોવાનું જણાઇ રહ્યું છે.કાયમી ચોકીપહેરા વગરની વિસ્તારની આ પરિસ્થિતિમાં જાહેરમાર્ગો ઉપર આડેધડ વાહન ઊભાં રાખી તેના ઉપર આડિંગો જમાવનારાં અમુક તત્વો દ્વારા થતી હરકતો રોજબરોજની સમસ્યા બની છે તો અવારનવાર થતી નાનીમોટી મારામારીઓ પણ લોકોના જીવ અદ્ધર કરી નાખનારી બની રહે છે. આ ઉપરાંત સંસ્કારનગરને જોડતા દૂરના અને છેવાડાના સંલગ્ન વિસ્તારોમાં દારૂની વકરેલી બદી પણ સરવાળે ચોકિયાતો વિનાની સ્થિતિને આભારી હોવાની છાપ ઉપસી આવી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer