મુઠિયાર ગામે બે જૂથ વચ્ચે મારામારી, ચાર જણ ઘવાયા : સામસામી ફોજદારી

ભુજ, તા. 12 : અબડાસામાં નલિયાથી ઉત્તરે ચાર કિ.મી. દૂર આવેલા મુઠિયાર ગામે પશુઓને ચરવા જવા માટેનો રસ્તો બંધ કરી નાખવા સાથે વાડો બનાવવા વિશેની તકરારમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં ચાર જણ ઘવાયા હતા. બનાવ બાબતે સામસામી ફરિયાદ લખાવાઇ હતી. ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં એકપક્ષના લાખુભા ગગુભા ચાવડા (ઉ.વ.50) અને અન્ય એક જણને તથા સામાપક્ષના સતુભા દાનસંગજી જાડેજા (ઉ.વ.50) અને અન્ય એક જણને ઇજા થઇ હતી. મારામારીમાં કુહાડીના હાથા, લાકડીઓનો ઉપયોગ થયાનું લખાવાયું છે.પોલીસ સાધનોએ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે લાખુભા ચાવડાએ સામાપક્ષના નવુભા ઉર્ફે નરેન્દ્રાસિંહ સતુભા જાડેજા, રણજીતાસિંહ દેવાજી જાડેજા, સતુભા દાનુભા જાડેજા, મહેન્દ્રાસિંહ સતુભા જાડેજા, બાબુભા દાનુભા જાડેજા, રાજુભા બાબુભા જાડેજા અને હકુભા દેવાજી જાડેજા સામે હુમલા અને મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. જયારે સતુભા જાડેજા દ્વારા લાખુભા ગાગુભા ચાવડા, મોકાજી દાનસંગજી ચાવડા અને બુધુભા દાનુભા ચાવડા સામે પ્રતિફરિયાદ દાખલ કરાવી હતી. સામસામી ફરિયાદ નોંધીને હાલે નલિયા મથકનો હવાલો સંભાળતા કોઠારાના ફોજદાર એચ.એચ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. ગામમાં પશુઓ જયાંથી ચરવા જવા માટે નીકળે છે તે સ્થળે રસ્તો બંધ કરવા અને વાડો બનાવવા બાબતની તકરારમાં આ મારામારી થયાનું ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer