જખણિયામાં યુવાન માતાની આત્મહત્યા થકી બે માસૂમ બાળક નોધારાં બન્યાં

ભુજ, તા. 12 : માંડવી તાલુકામાં જખણિયા ગામે 31 વર્ષની વયની પૂજાબેન પ્રેમજી જોશી નામની યુવતીએ ગળેફાંસો ખાઇ લઇ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં તેના બે માસૂમ સંતાન નોધારાં બન્યાં હતાં. તો બીજીબાજુ મુંદરા પાસેના બારોઇ ગામે 32 વર્ષની વયના પચાણ હરપાલ પિંગોળે પણ કોઇ અકળ કારણોથી ગળેફાંસો ખાઇ આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો હતો. પોલીસ સાધનો પાસેથી મળેલી માહિતી અનુસાર જખણિયા ગામે પૂજાબેન જોશીએ ગતરાત્રે પોતાના ઘરમાં પંખામાં દુપટ્ટા વડે લટકી જઇને આત્મહત્યા કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આ હતભાગીને હોસ્પિટલ ખસેડાતાં ત્યાં તેને વિધિવત મૃત જાહેર કરાઇ હતી. પૂજાબેનના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થઇ ચૂકયું છે. તો તેના સાસુ-સસરા પણ હયાત નથી. આ સ્થિતિમાં માતાના આપઘાત થકી તેનાં બે માસૂમ સંતાન નોધારાં બન્યાં હતાં. મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે વિશે માંડવી પોલીસે છાનબીન હાથ ધરી છે. બીજીબાજુ બારોઇ ગામે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા પચાણ હરપાલે તેના ઘરમાં પંખામાં દોરી વડે લટકી જઇને જીવ દઇ દીધો હોવાનો કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ હતભાગી યુવક ગતરાત્રે લટકતો મળી આવ્યો હતો. તેણે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. સબ ઇન્સ્પેકટર બી.જે. ભટ્ટે તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer