કચ્છમાં કોરોનાથી એક જ દિવસે બે મોત : 10 પોઝિટિવ

કચ્છમાં કોરોનાથી એક જ દિવસે બે મોત : 10 પોઝિટિવ
ભુજ/ગાંધીધામ, તા. 11 : કચ્છમાં કોરોના પોઝિટિવ કેસનો આંક હવે અઢીસોની નજીક પહોંચી ગયો છે. આજે નવા 10 કેસ આવ્યા સામે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. ગાંધીધામમાં નગરસેવિકાના પિતા અને અબડાસાના દદામાપરના 95 વર્ષના વૃદ્ધા અમે બંને  જણે કોરોના બીમારીમાં આજે દમ તોડતાં કચ્છમાં મોતનો આંક 11 થયો છે. જો કે 10 પોઝિટિવની સામે બે જણ સાજા થઇ જતાં તેઓને ઘેર જવાની રજા આપવામાં આવી હતી. અબડાસાના સાંઘીપુરમ ખાતે એક ડ્રાયવર પોઝિટિવ આવ્યા પછી તેના સંપર્કમાં આવેલા એક પછી એક અન્ય લોકો પણ કોરોનામાં સપડાઇ ગયા છે. સાંઘીપુરમ ખાતે આજે નવા ત્રણ કેસ આવ્યા છે. 30 વર્ષીય ઇન્દુ શેખા કામત, 21 વર્ષીય યુવક અમિત યાદવ, 41 વર્ષના  સુધીરકુમારસિંઘનું પરીક્ષણ કરવામાં આવતાં પોઝિટિવ આવ્યાના હેવાલ આજે જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કરેલી યાદીમાં જણાવાયા હતા. અબડાસાના દદામાપર ગામના અને મુંબઈથી ચાલુ મહિનાની ચોથી તારીખે પરત આવેલા 85 વર્ષીય લક્ષ્મીબેન લક્ષ્મીદાસ ભાનુશાલીને આજે કોરોના ભરખી ગયો હતો. ચાર દિવસ પહેલાં જ તેમનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. જો કે દાખલ થવાના બીજા જ દિવસે તેમને શ્વાસની તકલીફ જણાઈ હતી અને તેઓ અગાઉથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરના દર્દી હતા. ગતરાત્રે કોરોનાના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. બીજી બાજુ ગાંધીધામના નગરસેવિકાના પિતાનું કોરોનાને કારણે મોત થતાં મરણાંક 11 થયો છે. લખપત તાલુકાના ઘડુલી ગામે મુંબઈથી આવેલા 60 વર્ષીય વૃદ્ધા દમયંતીબેન દયારામભાઈ પટેલને પોઝિટિવ આવ્યો છે. મુંદરામાં ગઇકાલે કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતાં બીજા દિવસે પણ વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.  ગાયત્રી સોસાયટી બ્રહ્માકુમારી બારોઇ રોડ  પર સંજય હરિકાંતભાઇ સોની (ઉં.વ.44)ને કોરોના પોઝિટિવ આવતાં મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે, જ્યારે તેમના પરિવારના 5 સભ્યોને વસઇમાં હોમ કવોરેન્ટાઇન કરવામાં આવશે તથા રાધિકા જ્વેલર્સ સોના-ચાંદીની દુકાન ધરાવતા, દુકાનના પાંચ માણસો તથા સોસાયટીમાં કુલ્લ 17 મકાનો-59 વ્યક્તિને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વેળાએ ડો. રીતુબેન પરમાર, ડો. સંજયભાઇ જોશી, મેલ સુપરવાઇઝર વી. ડી. ઠક્કર, ફિમેલ સુપરવાઇઝર મંજુલાબેન મેઘાણીએ કાર્યવાહી કરી હતી. આજના દદીઓના પગલે કચ્છનો આંક 242 થઇ ગયો છે, જ્યારે 81 જણ સારવાર હેઠળ છે. 151ને રજા આપવામાં આવી છે. હરિપર અને સાંઘીપુરમના એક-એક એમ બે જણને ઘરે જવા દેવામાં આવ્યા હતા. બીજી બાજુ પૂર્વ કચ્છમાં આજે ગાંધીધામ શહેર તાલુકામાં અને અંજાર તાલુકામાં  વધુ પાંચ કેસ નોંધાયા હતા. આજે વરસતા  વરસાદે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરાઈ હતી.બીજી તરફ ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડે. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે ગાંધીધામના  પીએસએલ કાર્ગો ખાતે રહેતા  60 વર્ષીય કમલ ભગવાન પ્રસાદની તબિયત બગડતાં તેમને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયા હતા.  તેમનું ગત તા. 9ના સેમ્પલ લેવાયું હતું. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ આજે સવારે તેમણે સારવાર દરમ્યાન દમ તોડડ દીધો હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું. ગાંધીધામ સુધરાઈના કાઉન્સેલરપદે  રહેલા તેમના પુત્રી સુમશ શ્રીવાસ્તવનું ગત તા. 7ના  લેવાયેલું સેમ્પલ નેગેટિવ આવ્યું હતું, જ્યારે તેમના પિતાનું પોઝિટિવ આવ્યું હતું.તાલુકાના અંતરજાળમાં  સહયોગનગર ખાતે રહેતા શંકર લખુભાઈ પટેલ રાધનપુરથી આવ્યા હતા. તેમની તબિયત બગડતાં આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ લેવાયું હતું. તેઓ સેમ્પલ આપી પોતાની કારમાં પરત રાધનપુર ચાલ્યા ગયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી તો તેઓ ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં રાધનપુરના આરોગ્ય તંત્રને જાણ કરી તેમને ત્યાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અગાઉ પણ રાપર તાલુકાના  ગામના શિક્ષક રિપોર્ટ કરાવીને ગાંધીનગર ચાલ્યા ગયા હતા.ગાંધીધામમાં સુંદરપુરીથી ભારતનગર તરફ જતા રોડ ઉપર આવેલી ઘનશ્યામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા  68 વર્ષીય જયાબેન ઠક્કર કોરોનાનો ભોગ બન્યા છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના પુત્રો કોન્ટ્રાકટર છે. જેથી તેમને લોકલમાં જ ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.અંજાર તાલુકાના વરસામેડી ગામમાં કોવિડના બે કેસ બહાર આવ્યા હતા. વેલ્સપનમાં નોકરી કરતા 36 વર્ષીય રામપ્રતાપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ વેલહોમ  ખાતે જ  કવોરેન્ટાઈન હતા. જ્યારે બાગ્રેશ્રી-2 ટાઉનશિપમાં રહેતા અને ગાંધીધામમાં જે. એમ. બક્ષીમાં નોકરી કરતા 54 વર્ષીય હીમાંશુ ગોખલે પણ કોરોનાનો શિકાર બન્યા છે. તેમણે પણ કયાંય પ્રવાસ કર્યો ન હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. એ. અંજારિયાએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer