ગાંધીધામ-અંજાર પર અઢળક ઢળ્યો રે શામળિયો...

ગાંધીધામ-અંજાર પર અઢળક ઢળ્યો રે શામળિયો...
ભુજ, તા. 11 : કોઈ વડીલ પોતાના સંતાનોના ગુણ-દોષ-જરૂરિયાત જોઈને એક પછી એકના નામે પોતાની સ્થાવર-જંગમ મિલકતોના ભાગ પાડી-પાડીને આપે તેમ મેઘરાજાએ માંડવી-રાપર-અબડાસા?- નખત્રાણા- ભુજ બાદ આજે અંજાર, ગાંધીધામ, ભચાઉ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અંજાર-ગાંધીધામમાં તો રીતસર ધબ કાઢતાં મેહુલિયાએ ચાર અને ત્રણ ઈંચ પાણી વરસાવી દેતાં બંને નગરો જળબંબોળ બન્યા હતા. ગાજવીજ અને સુસવાટા મારતા પવનોના સંગાથે આવી પહોંચેલી આ મેઘસવારીએ ચારેયકોર આનંદ-ઉત્સાહ અને મજાની હેલી વરસાવી દીધી હતી. જિલ્લા મથક ભુજમાં ગઈકાલે બે ઈંચ બાદ આજે વરાપ નીકળી હતી, જ્યારે નખત્રાણા તાલુકામાં ફરી એકથી દોઢ ઈંચ પાલર પાણી વરસ્યું હતું. પૂર્વ કચ્છના મુખ્ય અને મધ્યના મથક ઐતિહાસિક અંજાર પર આજે ડરામણી ગાજવીજ સાથે બપોરે 12થી 2 દરમ્યાન જોરદાર વરસાદ ત્રાટકતાં નગરમાં સવારે 11 વાગ્યે પહેલા વરસાદના પાણી ઓસરે એ પહેલાં જ નવા પાણી ઉમેરાયા હતા અને હોલસેલ માર્કેટ પાસે તો ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ત્રીજો રાઉન્ડ સાંજે 4થી 6નો હતો જેમાં પણ ધુંઆધાર મેહ વરસતાં દિવસ દરમયાન કુલ 87 મિ.મી. વરસાદ વરસી ગયો હતો. જો કે વરસાદ માપક યંત્રોએ તાલુકામાં ક્યાં કેટલો વરસાદ થયો એ અંગેની કોઈ માહિતી ન આપતાં સર્વત્ર તાલુકામાં શનિવારનો વરસાદ ચારેક ઈંચ પર પહોંચ્યો હોવાનું ભરાયેલા પાણી-વરસાદનું જોશ જોતાં અનુભવીઓ કહે છે. ઐતિહાસિક નગરના વરસાદની વિગતો આપતાં પ્રતિનિધિ રશ્મિન પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, સિઝનનો વરસાદ 15 ઈંચ થવા છતાં તળાવો ઓગનથી દૂર છે. શહેરમાં ગતરાત્રિથી વરસાદી માહોલવચ્ચે હળવા-ભારે ઝાપટા બાદ આજે વહેલી સવારે આકાશ સ્વચ્છ હતું અને સૂર્યપ્રકાશ હતો. 11 વાગ્યા બાદ વરસાદી માહોલ સર્જાયો. બપોરના 12થી 2 વચ્ચે જોરદાર ઝાપટાં સ્વરૂપે 20 મિ.મી. અને 2થી 4 વચ્ચે વધુ 27 મિ.મી. અને સાંજે 4થી 6 સુધીમાં 40 મિ.મી. સાથે દિવસ દરમ્યાન 87 મિ.મી.  વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ રહેતાં આજે દિવસ દરમ્યાન 4 ઈંચ વરસાદની સંભાવના છે. શહેરની મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઓકશનમાં પારાવાર મુશ્કેલી થઈ હતી. શહેરના નયા અંજાર વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. પોલીસ ક્વાર્ટર, શિવધારા, હા. બોર્ડ, ખત્રી કોલોની, મ્યુ. કોલોની, એસ.ટી.બસ સ્ટેશન રોડ પર ભારે પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. શહેરીજનોએ જણાવ્યું હતું કે, સિઝનનો વરસાદી આંક 15 ઈંચ જેટલો થવા છતાં શહેરના સૌંદર્યસમા સવાસર નાકાનું તળાવ, ખડિયા તળાવમાં પાણી કેમ નથી ભરાતું અના માટે કોણ જવાબદાર ? તેવા પ્રશ્નો પૂછી રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નાગલપુર, વરસામેડી, સિનોગ્રા, ખેડોઈ, સતાપર, ભીમાસર, અજાપર, ભુવડ, ખંભરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ થતાં ખેતી પેદાશોને નવું બળ મળશે. હજુ પણ વરસાદ ચાલુ હોતાં બજારોમાં શાંતિ જોવા મળી હતી.ગાંધીધામમાં મેઘરાજાએ ધબ કાઢી અંજાર/ગાંધીધામ બ્યૂરોના હેવાલ અનુસાર છૂટાછવાયાં ઝાપટાં સિવાય હજુ યોગ્ય વરસાદ નહીં પામેલા કચ્છના આ આર્થિક પાટનગરમાં બે દિવસથી ફરી ઉકળાટ વર્તાતો હતો ત્યાં આજે બપોરે શાંતિપૂર્વક ચડી આવેલા વાદળોએ ધીંગીધારે વરસવાનું શરૂ કર્યું હતું. લગભગ દોઢ કલાક ચાલેલી એકધારી વરસાદી રમઝટથી ત્રણેક ઈંચ પાણી પડી ગયું હતું. લોકોએ રજા હોવાથી ન્હાવાનો આનંદ ઉઠાવ્યો હતો અને મેઘરાજાએ આજ તો ધબ કાઢી એવો આનંદોચ્ચાર પણ કર્યો હતો. બપોરે 3.15 વાગ્યા પછી અચાનક જ જોશભેર શરૂ થયેલા વરસાદે ભોજન લઈને ઘરમાં આડા પડેલા નાગરિકોને બહાર નીકળવા ફરજ પાડી હતી. દે માર વરસી રહેલા મેઘરાજાને જોઈને ઘણા લોકો ન્હાવા નીકળી પડયા હતા. સામાન્ય રીતે ન્હાવાનો પૂરો આનંદ લેવાય તે પહેલાં વરસાદ બંધ થઈ જતો હોય છે, પરંતુ આજે મેઘરાજા `ધબ' કાઢવાના મૂડમાં હતા. લગભગ સવાથી દોઢ કલાકની આ મેઘસવારીએ ગરમીથી ત્રસ્ત નાગરિકોના હૈયા પુલકિત કર્યા હતા, પરંતુ રસ્તા, શેરી, ગલી અને વરસાદી નાળા છલોછલ ભરી દઈને સમસ્યા પણ વધારી હતી. અનેક સ્થળે વેપારીઓ, રહેવાસીઓ પાણીને વહાવી દેવા નાળા કે રસ્તાની આડશ હટાવતા જણાયા હતા. અલબત્ત આજે પણ નગરપાલિકાની કોઈ ટીમ ક્યાંય જણાઈ નહોતી. દરમ્યાન ગાંધીધામ મામલતદાર કચેરી સ્થિત કંટ્રોલ રૂમમાં આજનો વરસાદ 80 મિલીમીટર નોંધાયો હતો. મોસમના કુલ વરસાદનો આંક 308 મિલીમીટરે પહોંચ્યો છે. ભચાઉના ભાગે બે ઈંચ આવ્યો ભચાઉથી મનસુખ ઠક્કરના જણાવ્યાનુસાર શનિવારે વહેલી પરોઢે ઝાપટાંથી શરૂ થયેલા વરસાદે એક ઈંચ પાણી વરસાવ્યું હતું. મામલતદાર કચેરીમાં ના.મા. શ્રી હુંબલે કહ્યું હતું કે, આજનો કુલ વરસાદ 28 મિ.મી. નોંધાયો છે. વરસાદના કારણે નગરપાલિકા દ્વારા જલારામ સોસાયટી વિસ્તારમાં ચાલતા પેવર બ્લોક પાથરવાના કામને અસર થઈ હતી. લાયન્સનગર તરફનો સિમેન્ટ માર્ગ ઘણી જગ્યાએ ધોવાયો છે. પાણીના વહેણ દબાણને લઈ બદલતા ઘણા સ્થળે શહેર-તાલુકામાં મુશ્કેલી પડી રહી છે. જંગીમાં દોઢ ઈંચ વરસાદ થયાનું સરપંચ રણછોડ કાનાભાઈ પટેલે કહ્યું હતું. વરસાદ દરિયાકિનારે થયો હતો. ગત શુક્રવારે રાત્રિભર ઝરમરરૂપે છાંટા પડતાં વરસાદી માહોલ હતો. સામખિયાળીમાં હરિભાઈ હેઠવાડિયાએ દોઢ ઈંચ વરસાદ પડયો હોવાનું જણાવ્યું હતું. વેપારી મંડળ સામખિયાળીના પ્રમુખ મોમાયાભાઈ અમરા બાળાએ સચરાચર વરસાદ ગણાવ્યો હતો. લાકડિયામાં બે ઈંચ વરસાદ થયાનું અને ગામની લાકડિયા શિવલખા નદીમાં પાણી વહી રહ્યા છે તેવું બળવંતસિંહ વીરમજી સોલંકી અને જેઠુનાથ બાવાજીએ કહ્યું હતું. નંદગામ, જશોદાધામ, ગોકુલગામ, ચોપડવા, લુણવા, ચીરઈ નાની-મોટીમાં અડધાથી એક ઈંચ વરસાદ હોવાનું રણધીર ધમાભાઈએ કહ્યું હતું. ખારોઈમાં બે દિવસથી ઝરમર ઝરમરરૂપે વરસાદ છે. ઉઘાડ નીકળે તો વાવણી થાય. છાંટાથી વાવણીકાર્ય અટકી ગયાનું માજી સરપંચ શિવુભા જાડેજાએ કહ્યું હતું. રણકાંઠામાં કણખોઈ, ભરૂડિયામાં વરસાદના સારા સમાચાર પડેલશા પીરના ગાદીપતિ મામદશાબાપુએ આપ્યા હતા. કંથકોટમાં ધીમી ધારે દિવસભર વરસાદ રહેતાં ધરતી પાણી પુષ્કળ પીએ છે એમ બળવંતસિંહ સમુભાએ કહ્યું હતું. ઓત્તરાદા નખત્રાણામાં નદી-નાળાં છલકાયાં વિરાણી મોટીથી છગનભાઈ ઠક્કરના જણાવ્યાનુસાર ઉત્તરીય વિસ્તારના જતાવીરા, ધામાય, બગપાટ્ટ, જીંજાય, તલ, છારી, ફુલાય, મોતીચુર, લૈયારી, વેડહાર, આથમણા વિસ્તારના મુરુ, લુડબાય ગામોમાં શુક્રવારની રાત્રે 11 વાગ્યા બાદ ગાજવીજ સાથે પોણાથી એક ઈંચ અને ક્યાંક દોઢ ઈંચ વરસાદ વરસી જતાં પશુપાલકો-ખેડૂતો ખુશ થયા હતા. બીજીતરફ, ખાંભલા, મથલ, ટોડિયા, રસલિયા, ખોંભડીમાં અડધોથી પોણો ઈંચ વરસાદથી વાડીઓવાળા ખેડૂતો અને એરંડા, કપાસ, મગફળીનો પાક લેનારા ધરતીપુત્રોમાં ખુશાલી છવાઈ હતી. રાપર તાલુકામાં વરસાદી ઝાપટાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે અવારનવાર ઝાપટાં વાગડ વિસ્તારમાં વરસી રહ્યાં છે. ગત રાત્રે ઝાપટાં પડયા જેના કારણે વાગડના મુખ્યમથક રાપરમાં પાણી વહી નીકળ્યા હતા. આજે પણ દિવસભર ઝાપટાં પડયા હતા. અવારનવાર વરસાદના ઝાપટાંના લીધે ચોમાસુ પાકને ફાયદો થશે. સુવઈના સરપંચ હિરૂબેન રાઠોડના જણાવ્યા મુજબ બે દિવસથી વરસી રહેલા વરસાદથી ચોમાસુ પાકના મગ, કપાસ, કોરડ, એરંડા, મગફળી, બાજરી, તલ, ગુવાર, મઠ સહિતના પાકો માટે સોના જેવો વરસાદ થઈ રહ્યો છે. રાપર ઉપરાંત નીલપર, ખીરઈ, ચિત્રોડ, કીડિયાનગર, ભીમાસર, રવ, નંદાસર, ફતેગઢ, પલાંસવા, ગાગોદર, આડેસર, બેલા, મૌઆણા, જાટાવાડા, બાલાસર, શિરાનીવાંઢ, લોદ્રાણી, રામવાવ, ત્રંબૌ, સુવઈ, ગવરીપર સહિતના સમગ્ર વાગડ વિસ્તારમાં ઝાપટાં પડયા હતા. ખડીર પંથકમાં પણ વરસાદના વાવડ છે. આ વરસાદ ખેતી માટે ઉત્તમ હોવાનું રતનપરના સરપંચ દશરથભાઈ આહીરે જણાવ્યું હતું. વરસાદના ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer