રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં એક `હનુમાન ગલી'' છે જ્યાં કોઇ પહોંચતું જ નથી

રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં એક `હનુમાન ગલી'' છે જ્યાં કોઇ પહોંચતું જ નથી
રાપર, તા. 11 : આમ તો રાપરમાં વોર્ડ નં. 4 અને 7માં વહેંચાયેલો અયોધ્યાપુરી વિસ્તાર પોશ વિસ્તાર ગણાય છે. અનેક મોટા રાજકીય માંધાતાઓ પણ અહીં જ રહે છે.  આ જ અયોધ્યાપુરીની એક હનુમાન શેરી જાણે કે સાવ `સાવકી' હોય તેવું નગરપાલિકા અને રાજકારણીઓનું વલણ રહ્યું છે.લગભગ બે ટર્મથી ચૂંટણી પ્રચારમાં  આવતા નગરસેવકોને આ વિસ્તારના પ્રશ્નોથી અવગત કરાતાં `બસ, ચૂંટાવા દયો એટલે પહેલો તમારા વિસ્તારનો પ્રશ્ન હાથ ઉપર લઇશું !' એમ કહીને તે બીજી ચૂંટણી પહેલાં બાવન ઘરો ધરાવતી નાનકડી ટાઉનશિપ જેવડી આ શેરીમાં નથી ઢંગવાળો માર્ગ કે નથી વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા. ગટરની ચેમ્બરો નાખી છે, પણ  મેઇન લાઇનમાં જોડવાનો પાઇપ જ કોન્ટ્રાક્ટર નાખતા ભૂલી ગયો છે. દુનિયા આખી વરસાદ અને પાણી માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે થોડાક વરસાદમાં  અહીંના રહેવાસીઓ ખમૈયા કરવા વિનવતા હોય છે. કરુણા એ છે કે, જે રાત્રે વરસાદ આવે તે રાત્રે આ શેરીના બાવનેય મકાનવાળાઓ આખી રાત જાગીને ઘરમાં ભરાતાં પાણી ઉલેચતાં હોય છે. માત્ર ટ્રાયલરૂપે નિસર્ગની અસર તળે આવેલા વરસાદમાં તો આખી શેરી પાણી-પાણી થઇ ગઇ છે, જે તસવીરમાં દેખાય છે. ચોમાસામાં આ શેરીની  હાલત શું થતી હશે? બે-પાંચ મકાનોને બાદ કરતાં લગભગ મકાનો ભૂકંપ પહેલાંના બનેલા છે જે હાલમાં જર્જરિત છે. આખો વિસ્તાર મધ્યમવર્ગીય છે. જળ જમાવથી બચવા લોકોએ  ઓટલા વિસ્તારીને રસ્તાને પગદંડી જેવો બનાવી નાખ્યો છે. અનેકવાર નગરપાલિકાના અધિકારી-પદાધિકારીઓને  અવગત કરવા છતાં આ વિસ્તાર પર ધ્યાન આપવામાં આવતું નથી, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ જો આવી જગ્યાએ આવા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે તો યોજના પણ લેખે લાગે. પ્રિ-મોન્સૂનની કામગીરી જો ખરેખર કરવી જ હોય તો આવી નીચાણવાળી શેરીઓના  પાણી નિકાલના પ્રશ્નને  અગ્રતા આપવી જરૂરી બની રહે. બાકી ઓટલાઓ દૂર કરી એક વ્યવસ્થિત રોડ બનાવવામાં અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને અધિકારીઓએ ધ્યાન આપવું જ રહ્યું. અનેક વસતીવિહોણા વિસ્તારમાં રોડ બનતા હોય તો જરૂરિયાતવાળા આ વિસ્તારમાં કેમ નહીં ? 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer