ભુજમાં ધોળા દિવસે જીવનભરની કમાણી 6.30 લાખની ચોરીનો ભેદ હજુ અકબંધ

ભુજમાં ધોળા દિવસે જીવનભરની કમાણી 6.30 લાખની ચોરીનો ભેદ હજુ અકબંધ
ભુજ, તા. 11 : થોડા દિવસ પૂર્વે શહેરમાં ધોળા દિવસે જીવનભરની કમાણી રૂા. 6.30 લાખના દર-દાગીનાની ચોરીનો ભેદ હજુ સુધી પોલીસ દ્વારા ન ઉકેલાતાં આ અંગે તાત્કાલિક પગલાં લેવા માટે આજે અખિલ કચ્છી રાજગોર મહાસભાના હોદ્દેદારો અને ભોગ બનનાર પરિજનો પોલીસ અધીક્ષકને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ભુજના ધમધમતા વિસ્તાર ગાયત્રી મંદિર રોડ બાજુના ગાયત્રી કોલોનીમાં ગત તા.6-7ના બપોરે બંધ ઘરમાંથી રૂા 6.30 લાખની રોકડ-દાગીના સહિતની ચોરીની ચોંકાવનારી ઘટના બની હતી અને ચોરી અંગે ભુજ એ-ડિવિઝનમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી, તેવું પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક સૌરભભાઇ તોલંબિયાને મળી રજૂઆતમાં જણાવાયું છે. આ રજૂઆતમાં વધુમાં ઉમેરાયું છે કે, ચોરીનો ભોગ બનેલા રાજેશ મંગલદાસ રાજગોર અને તેના માતા જયાબેન મૂળ મુંબઇ રહે છે. પરંતુ મુંબઇમાં કોરોના વધુ ફેલાતાં છેલ્લા ત્રણ મહિનાથી તેઓ અહીં આવીને રહે છે. મુંબઇમાં કામ-ધંધા બંધ છે તેમજ ભોગ બનનારની જીવનભરની કમાણી ચોરી થઇ જતાં તેઓ પર આભ તૂટી પડયું છે. આમ પરિજનોની વહારે પોલીસ આવી તપાસને વધુ સઘન બનાવી ચોરીનો ભેદ ઉકેલે તેવી માંગ કરાઇ છે. રજૂઆતમાં અખિલ કચ્છી રાજગોર મહાસભાના સ્થાનિક પ્રમુખ જે.પી. ગોર, મહામંત્રી ભરત નારાણપર, નીતિન કેશવાણી, બાલકૃષ્ણ માકાણી સહિત ચોરીનો ભોગ બનનારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer