ગુંદાલામાં નિર્દોષ પંખી પારેવડાં અને ભગતબાપા પરિવારનો અનેરો નાતો

ગુંદાલામાં નિર્દોષ પંખી પારેવડાં અને ભગતબાપા પરિવારનો અનેરો નાતો
મુંદરા, તા. 11 : તાલુકાનાં ગુંદાલા ગામે ભગતબાપાની ઓળખ ધરાવતા જેસાજી કરમણજી રાજપૂતની વાડીએ પંખીજગતના ભોળા અને નિર્દોષ ગણાતા 150થી વધુ પારેવડાઓ આ ખેડૂતના પરિવારના સભ્યોની જેમ સંપીને વસવાટ કરે છે. દેખાવમાં સફેદ અને રાખોડી રંગના, ટૂંકી ગરદન અને નાની નાજૂક ચાંચ ધરાવતા આ પારેવડાઓ આંગણમાં જ લીમડા અને વડ ઉપર વસવાટ કરે છે. ભગતબાપાનો સાદ સાંભળીને ઊંચે આભમાંથી સીધા જ ધરા ઉપર આવી જાય છે. ભગતબાપાના ખોળામાં અને ખભે બેસતા આ પારેવા અને હથેળીમાં દાણા ચણતા કબૂતરોને જોવા એ પણ લ્હાવો છે. કબૂતરો સાથે કાલાવાલા કરતા ભગતબાપા અને દિવાળીબા વર્ષોથી મૂંગા પંખીઓ માટેનું અન્નક્ષેત્ર ચલાવે છે.બારે માસ પારેવડાઓની સેવા કરતું આ ખેડૂ દંપતી કહે છે કે, દેવાલયમાંથી સાક્ષાત દેવીમા પ્રગટ થયા હોય એવા આનંદની અનુભૂતિ થાય છે. કબૂતરો પણ આ ભગતબાપાની ભાષા જાણે સમજતાં હોય તેમ ડોકું હલાવીને પ્રત્યુત્તર આપે છે. આંગણાંના પંખીઓના આ અનોખા સેવાયજ્ઞના સાક્ષી એવા ડો. કેશુભાઈ મોરસાણિયા જણાવે છે કે, કોરોના કાળના આ કપરા સમયનો સદુપયોગ કરવા આપણી આસપાસ રહેલા આવા મૂકસેવકોની બાળકોને મુલાકાત કરાવી ઉદાહરણ આપવા જોઈએ.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer