પૂર્વ કચ્છમાંથી 2.26 લાખનો દારૂ જબ્બે

પૂર્વ કચ્છમાંથી 2.26 લાખનો દારૂ જબ્બે
ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છમાં રાપર, અંજાર અને આદિપુરમાં પોલીસે ત્રણ જુદા જુદા દરોડા પાડી 2.26 લાખનો શરાબ ઝડપી પાડયો હતે. આ કાર્યવાહી દરમ્યાન બે આરોપીઓ ઝડપાયા હતા. જયારે બે  જણા ફરાર થઈ ગયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ  આજે પૂર્વ બાતમીના આધારે ચિત્રકૂટ નગર અયોધ્યાપુરી ખાતે દરોડો  પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન રહેણાક  મકાનમાં ટાંકામાંથી અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો કબ્જે કરાયો હતો. ટાંકામાંથી  જુદી જુદી બ્રાન્ડની 552 નંગ બોટલો કબ્જે કરાઈ હતી. શરાબના જથ્થાની કિંમત રૂા.1.93 લાખ આંકવામાં આવી છે. દરોડા દરમ્યાન આરોપી શક્તિસિંહ નવલસિંહ ગોહિલ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પી.આઈ. એમ.એસ. રાણા અને સ્ટાફ જોડાયો હતો. એલસીબીએ અંજારમાં ગત રાત્રીના 9.15 વાગ્યાના અરસામાં અજાપર ટપ્પર રોડ ઉપર દરોડો પાડયો હતો. આશાપુરા માતાજીના મંદિરની પાછળ બાવળની ઝાડીમાં પોલીસે વ્હીસ્કીની રૂા. 12,600ની  કિંમતની 36 નંગ બોટલો કબ્જે કરી હતી. આરોપી દેવા ઉર્ફે બટુક રવા રબારી  નાસી છુટયો હતો. ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં આદિપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે  ગત મોડી રાત્રીના 1.30 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે સફેદ કલરની અલ્ટો કાર પસાર થતા પોલીસે રોકીને તપાસ કરતાં કારમાંથી શરાબ નીકળી પડયો હતે. આરોપીઓ   રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા અને શકિતસિંહ પ્રવીણસિંહ જાડેજાના કબ્જામાંથી અંગ્રેજી પ્રકારના શરાબની 60 નંગ બોટલો કબ્જે કરાઈ હતી. શરાબના જથ્થાની કિંમત રૂા. 21 હજાર આંકવામાં આવી છે. પોલીસે બે લાખની કિંમતની કાર, રોકડા રૂા.500 અને ચાર હજારની કિંમતનો  મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કરાયો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer